Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશના બે રણકાંઠાઓમાં વિશાળ કેનાલનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, કચ્છથી રાજસ્થાન સુઘી પાણીની કેનાલ બનશે

દેશના બે રણકાંઠાઓમાં વિશાળ કેનાલનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, કચ્છથી રાજસ્થાન સુઘી પાણીની કેનાલ બનશે
, શનિવાર, 5 નવેમ્બર 2016 (12:08 IST)
ગુજરાતના કચ્છ અને રાજસ્થાનના અફાટ રણમાં એક વિશાળ કેનાલ નેટવર્ક ઊભું કરવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. જો આ પ્રોજેક્ટ યોજના પ્રમાણે મૂર્તિમંત થશે તો કંડલાથી બાડમેર-જાલોર સુધીની ૮૫૦ કિમી લાંબી કેનાલની રચના કરી તેમાં અરબી સમુદ્રનું પાણી વહેવડાવાશે. આ પાણીમાંથી જ વીજળી, મીઠું અને તેમાંથી ગેસ, યુરિયા ખાતર, શુધ્ધ પીવાનું પાણી મેળવવામાં આવશે. જેથી ગુજરાત-રાજસ્થાનના દુર્ગમ વિસ્તારમાં વસતા લોકોને આ પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઇ શકશે. અગાઉ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારને રણવિસ્તારમાં પડોશી દેશ પાકિસ્તાન દ્વારા થતી ઘુસણખોરીને રોકવા તથા રણ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે આ મહત્વાકાંક્ષી યોજનાને મંજૂર કરી કેન્દ્રીય સહયોગ આપવાની ભારપૂર્વક માગણી કરી હતી. જોકે, આ પછી કેન્દ્ર સરકાર તરફથી કોઇ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના નેતૃત્વમાં શિપિંગ, રોડ ટ્રાન્સ્પોર્ટ, હાઇવે મંત્રાલયની મળેલી બેઠકમાં આ યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેનો પ્રાથમિક રિપોર્ટ પણ તૈયાર કરવાની હીલચાલ શરૂ કરવામાં આવી છે.એક અંદાજ પ્રમાણે રૂ.૫૦૦૦ કરોડનો ખર્ચ થાય તેમ છે. આ કેનાલ બને તો તેના એક છેડા પર હાઇવેનું નિર્માણ થઇ શકે અને જરૂર પડ્યે રેલવે નેટવર્ક પણ બીજા છેડે પાથરી શકાય તેમ છે. આમ, કેનાલમાં જહાજો મારફતે રાજસ્થાન, કચ્છમાંથી ખનિજની નિકાસ સીધી કરી શકાય. એ જ રીતે મહાનંદી બ્રહ્માણી નદીના જળમાર્ગના વિકાસ બાદ ત્યાંથી ગુજરાત અને મહારાષ્ટ્રની વીજ ઉત્પાદન માટે આવશ્યક કોલસો ટ્રાન્સ્પોર્ટ થઇ શકશે. દેશના બે રણ વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ થશે કેન્દ્રમાં શિપિંગ, રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંવડીયાએ નવી દિલ્હીથી ‘નવગુજરાત સમય’ સાથેની વાતચીતમાં જમીન માર્ગે પરિવહનના ભારણને ઘટાડવા માટે તેમજ ઓછા ખર્ચે એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી રીતે જળ પરિવહનના વિકલ્પને શ્રેષ્ઠ ગણાવ્યો છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધોળકા નજીક થયેલા અકસ્માતમા 14નાં ઘટનાસ્થળે જ મોત, સુરતમાં ટેન્કરોનો ત્રીપલ અકસ્માત