દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે સવારે ઊંઝા મંદિરે ઊમિયા માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતાં, જ્યાં તેમને વિરોધ કરવામાં આવ્યો હતો. ઊંઝામાં કેજરીવાલના સાથેના આપના કાર્યકર્તાઓ અને મીડિયા કર્મી વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. જેના કારણે કેજરીવાલને મીડિયા પાસે જવા નહોતા દેવાયા. આપના કાર્યકર્તાઓએ મીડિયા કર્મી સાથે ધક્કામૂકી કરી હતી. કેજરીવાલે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરનારા ઊંઝાના કામલી ગામના પોલીસ કોન્સ્ટેબલ નાગજી ઠાકોર પરિવારની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ઊમિયા માતાજીના દર્શન કર્યા હતાં. કેજરીવાલ મંદિરની મુલાકાત લેવા માટે આવી રહ્યા હતાં તે દરમિયાન સ્થાનિક લોકો દ્વારા તેમને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ પોસ્ટર લઈને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત કેજરીવાલે ઊંઝા નગરપાલિકાના સભ્યો સાથે મુલાકાત લીધી હતી.