Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના જૂનાગઢની આઝાદીની વાત, શું છે આરઝી હકુમત

ગુજરાતના જૂનાગઢની આઝાદીની વાત, શું છે આરઝી હકુમત
, બુધવાર, 9 નવેમ્બર 2016 (17:20 IST)
ભારત ૧પ મી ઓગષ્ટે આઝાદ થયું. સમગ્ર દેશમાં જશ્નનો માહોલ હતો. પરંતુ આ સમયે જ જૂનાગઢમાં સન્નાટો હતો. કારણ કે નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી હતી. હવે શું થશે ? તેવા સવાલથી પ્રજામાં સ્તબ્ધતા હતાં. ત્યાર બાદ શરૃ થઈ જૂનાગઢને ભારતમાં જોડાવાની કવાયત, આરઝી હકુમતની સ્થાપના થયા બાદ ફક્ત ૧પ૦ સૈનિકો અને ત્રણ હજાર બિનતાલિમી પરંતુ દેશદાઝ ધરાવતા યુવાનોની ફૌજે એક પછી એક ગામ સર કરવા માંડયા. આખરે છેક ૯ નવેમ્બરના રોજ જૂનાગઢને આઝાદી મળી. આ દિવસે સવારે શહેરના આઝાદ ચોકમાં અને ઉપરકોટમાં એકી સાથે ત્રિરંગા લહેરાયા, સાંજે ભારતીય લશ્કરે સત્તાવાર રીતે જૂનાગઢનો કબજો લીધો હતો. ભારત આઝાદ થયું એ દિવસે જ જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાની નવાબ મહોબતખાનજી ત્રીજાની જાહેરાતથી સમગ્ર દેશને આંચકો લાગ્યો હતો. સરદાર પટેલ સહિતના ભારતના ટોચના નેતૃત્વએ જૂનાગઢને ભારતમાં ભેળવવાની કવાયત આદરી. મુંબઈના માધવબાગમાં શામળદાસ ગાંધીના નેતૃત્વમાં આરઝી હકુમતની સ્થાપના થઈ. આરઝી હકુમતે રાજકોટમાં આવતા જ અહી આવેલા જૂનાગઢના ઉતારાનો કબજો લઈને લડતના મંડાણ કર્યા હતાં. આ ઈમારત આજે રાજકોટનું ર્સિકટ હાઉસ છે. જામનગરના ધ્રોળ અને ભાવનગરના વલ્લભીપુરમાં આરઝી હકુમતના સૈનિકોની ભરતી અને તાલિમ શરૃ કરવામાં આવી હતી. અમરેલીના કૂંકાવાવ પાસે આવેલા અમરાપુર ગામ ઉપર સૌપ્રથમ હુમલો કર્યા બાદ ૯ નવેમ્બર સુધીમાં આરઝી હકૂમતે સોરઠ પ્રદેશના ૧૧પ જેટલા નાના ગામડાઓનો કબજો લઈ લીધો હતો. ૮ નવેમ્બરે નવાબની સુચનાથી દિવાન ભુટ્ટોએ કેપ્ટન હાર્વે જોન્સ અને સનદી અધિકારી નિલમભાઈ બુચ પાસે આ શરણાગતિ સ્વિકારી હતી. ૯ નવેમ્બર, ૧૯૪૭ ના રોજ જૂનાગઢના આઝાદ ચોક અને ઉપરકોટ ખાતે ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો. પોણા ત્રણેક માસ આરઝી હૂકમની લડાઈ ચાલી હતી. આ દિવસે સાંજે પ વાગ્યે ભારતીય લશ્કરે મજેવડી દરવાજામાંથી જૂનાગઢમાં પ્રવેશ કરી જૂનાગઢ રાજ્યનો વિધિવત કબજો લીધો. આરઝી હકૂમતમાં તાલિમ પામેલા અને પગારદાર સત્તાવાર ફક્ત ૧પ૦ સૈનિકો જ હતાં. આ ઉપરાંત ગામેગામથી ત્રણેક હજાર યુવાનો આ લડત માટે આરઝી હકૂમત સાથે જોડાયેલા હતાં. જૂનાગઢ આઝાદ થયા બાદ ૧૩ નવેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢની મૂલાકાતે આવ્યા હતાં. હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ સુધી આવ્યા બાદ ટ્રેન મારફત તેઓ જૂનાગઢ પહોંચ્યા હતાં. અહી તેઓનું ભવ્ય રેડકાર્પેટ સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ બહાઉદ્દીન કોલેજમાં યોજાયેલી જાહેરસભામાં તેઓએ સ્પષ્ટ હુંકાર કરતા કહ્યું હતું કે, ભારતમાં રહેવા માગતા મુસલમાનોનો હું વાળ વાંકો નહીં થવા દઉ, પણ પાકિસ્તાનને ચાહતા મુસલમાતો અત્યારે જ ચાલ્યા જાય, અમે તેને દક્ષિણા પણ આપીશું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શેયર માર્કેટમાં ટ્રંપની આંધી, 15 મિનિટમાં 6 લાખ કરોડનું નુકશાન