ગુજરાતના સૌથી મોટા સરહદી જિલ્લા કચ્છમાં લશ્કરી અને અર્ધલશ્કરી દળો હાઇએલર્ટ પર મુકાયા છે, બીજી બાજુ ભારત સરકાર દ્વારા જાહેર કરાયલા એલર્ટને પગલે જખૌના દરિયામાં મરીન પોલીસે પેટ્રોલિંગ શરુ કરી દીધું છે. દરિયા અને ક્રીક સીમા પરના કોટેશ્વર, રણ સરહદના હાજીપીર, ખાવડા, કુરન, કોટડા તેમજ ખડીરના ધોળાવીરા જેવા સીમા નજીકના અંતિમ ગામડાઓમાં વેબદુનિયાની ટીમોએ મુલાકાત લેતાં પરિસ્થિતિ સામાન્ય દેખાઇ હતી, પરંતુ લોકોની દેશ માટેની ખુમારી પરાકાષ્ટાએ દેખાઇ હતી. પોલીસ, બી.એસ.એફ., કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ ગુરુવારે સીમાવર્તી ગ્રામીણ લોકોને સાવચેત અને જાગૃત રહેવા કહ્યું હતું. ભારત સરકાર દ્વારા જાહેર કરાયલા એલર્ટને પગલે જખૌના દરિયામાં મરીન પોલીસે પેટ્રોલિંગ શરુ કરી દીધું છે અને માછીમારોને બોર્ડર લાઇનથી 15 નોટિકલ માઈલ અંદર ફિશીંગ કરવા સૂચના અપાઇ છે. હાલ વેરાવળ – માંગરોળ બંદરની 3400 બોટ મધદરિયે હોવાનું જાણવા મળ્યું છે. મધદરિયે ફિશીંગ કરી રહેલી બોટનાં ટંડેલોને વાયરલેસથી સંદેશો પહોંચાડવા માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવી હોવાનું વેરાવળ બોટ એસો.નાં પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવ્યું હતું. રાજયનાં પશ્ચિમ દરિયા કિનારા તરફ ફિશીંગ ન કરવા ખાસ ચેતવણી અપાઇ રહી છે. સોમનાથ મંદિર આતંકીઓનાં લીસ્ટમાં હોય એસપી ચૌધરીએ દરિયા કિનારે ઘોડેસવાર પેટ્રોલીંગ અને નવાબંદર - સોમનાથ મરીન પોલીસને 70 નોટીકલ માઇલ દરિયા કિનારા પર સતત પેટ્રોલીંગ અને દરેક ગતિવિધી પર બાજ નજર રાખવા સુચના અપાઇ છે.