દેશના 70માં સ્વાતંત્રતા દિવસે ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજ્યકક્ષાના સ્વાતંત્રતા પર્વની ઉજવણી મોરબી ખાતે કરવામાં આવી છે. નવનિયુક્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોરબી ખાતે ધ્વજવંદન કર્યું હતું સાથે જે બે વર્ષમાં રાજ્યમાં કરેલા મહત્વના કામો અને આગામી વ્યૂહરચના અંગેની વાત લોકો સમક્ષ રજૂ કરી હતી. ગુજરાતની વિકાસ ગાથા સાથે મોરબી ખાતે વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં દેશભક્તો હાજર રહ્યાં હતા. સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઇ ગયો હતો. ભારતમાતા કી જય, ઇન્કલાબ ઝીંદાબાદના નારાથી સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું હતું. વિજય રૂપાણીએ ટવિટર પર પણ દેશવાસીઓને સ્વાતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી. મોરબીના પરશુરામ પોટરી મેદાન ખાતે સ્વાતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાંકાનેરમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન બાદ અહીં પોલીસ જવાનો બાદ પરેડ અને કરતબો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો ઉપલેટાના ડુમિયાણી ગામે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે પણ ધ્વજવંદન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દેશભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.