ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યાં છે. એક તરફ વાદળીયું વાતાવરણ અને બીજી તરફ કેટલાક વિસ્તારોમાં થયેલા માવઠાને લીધે થોડાક દિવસ ગરમીમાં લોકોને રાહત મળી હતી. ત્યાર બાદ ફરીવાર ગરમીનો કેર ચાલુ થતાં લોકો ત્રાસી ગયા છે. અમદાવાદ સહિત રાજ્યના ૧૦ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચું તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે સોમવારે ૪૨.૮ ડિગ્રી નોંધાયું હતું. જો કે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી બે દિવસમાં ગુજરાતમા તાપમાન ૪૩ ડીગ્રીએ પહોંચશે. જેના લીધે હવામાન વિભાગે ઓરેન્જ વોર્નિંગ આપી છે .
હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા પ્રમાણે અમરેલીમાં ૪૧.૪ ,કંડલામાં ૪૨.૧ અમદાવાદમાં ૪૨.૪ ડિસામાં ૪૧,ગાંધીનગરમાં ૪૨ ઈડરમાં ૪૦.૪ , વિદ્યાનગરમાં ૪૦.૨ વડોદરામાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. ઉનાળાની ચાલુ સીઝનમાં આજે પ્રથમ વખત લઘુત્તમ તાપમાનનો પારો પણ મોટાભાગના શહેરોમાં ૩૦ ડિગ્રીથી વધુ નોંધાયો છે. રાજકોટમાં ૨૮.૪ ભુજમાં ૨૯.૬ નલિયામાં ૩૦,અમરેલીમાં ૨૮.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પવનના કારણે લૂની તીવ્રતામાં પણ વધારો થયો છે. હવામાન ખાતાના જણાવાયા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સંપૂર્ણપણે નાબૂદ થઈ છે અને તેના કારણે હવે ગરમીનું જોર વધશે તેમ જણાઈ રહ્યું છે.