ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો છે પણ દારૂબંધી ક્યાંય દેખાતી નથી, દારૂબંધી માત્ર સરકાર અને પોલીસના ચોપડે નોંધાયેલી છે. પરંતું રોજ કેટલોય દારૂ પોલીસ પકડતી હોવાના સમાચારો મળતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે રાજ્યમાં દારૂબંધીના નબળા અમલીકરણને લઈને ભાજપ સરકાર પર ભીંસ વધી રહી છે. દારૂબંધીના ચુસ્ત અમલીકરણના મુદ્દાને લઈને સામાજિક આંદોલન ચલાવી રહેલા ઓબીસી, એસસી, એસટી એક્તા મંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં રાજ્યની 10 લાખ મહિલાઓ વડાપ્રધાન મોદીને પત્ર લખીને દારૂબંધીના ચુસ્ત અમલીકરણની માંગણી કરવાની છે. આ મહિલાઓ લખશે કે ‘‘હે મારા વીરા હવે તો આવ અને દારૂની બદીથી વિધવા થતી તારી બહેનોને બચાવ.’’ પાટણ જિલ્લાના રાધનપુરમાં મંગળવારે અલ્પેશ ઠાકોરે આ કાર્યક્રમની જાણકારી આપી હતી. 1 ઓક્ટોબરે પાટીદાર, આદિવાસી, દલિત, ઓબીસી, ઠાકોર સમાજ સહિતના તમામ સમાજની બહેનો સવારના 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી રાજ્યના 200 ગામડાઓમાં એક સાથે વડાપ્રધાન મોદીને પત્ર લખીને પોસ્ટ કરશે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલાઓને આશ્વાસન આપ્યું હતું કે મારી બહેનોને જો કોઈ તકલીફ હોય તો તે ફક્ત એક પોસ્ટકાર્ડ લખે. ત્યારે આજે દારૂની બદીથી રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે.