વર્ષ ૨૦૧૬ને બાયબાય કરીને વર્ષ ૨૦૧૭ને આવકારવા યુવાધન ઉત્સુક છે. જોકે, આ વખતે નવા વર્ષની ઉજવણીમાં નોટબંધી નડી શકે છે. ન્યૂયરની પાર્ટીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. ૩૧ ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આયોજકો પાર્ટી યોજવા અંગે મૂંઝવણ અનુભવી રહ્યાં છે. આ વર્ષે ન્યૂયરની પાર્ટીઓની રંગત ફિક્કી રહેશે.
નોટબંધીને લીધે યુવાઓ પણ ખર્ચમાં કાપ મૂક્યો છે જેના લીધે અમદાવાદમાં કલ્ચરલ ઇવેન્ટ ઓછી યોજાઇ રહી છે તે જોતાં આ વખતે ન્યૂયરની પાર્ટીમાં પણ તેની અસર જોવા મળી શકે છે. પાર્ટી આયોજકોનું કહેવું છેકે, દર વર્ષે અમદાવાદ શહેરમાં સ્ટાર હોટલો,કલબો, ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ યોજાય છે પણ આ વર્ષે નોટબંધીને પગલે માત્ર ૧૫-૨૦ પાર્ટીઓ યોજાય તેવી વકી છે. પંદરેક દિવસ બાકી રહ્યાં છે ત્યારે હજુયે શહેરમાં થર્ટી ફર્સ્ટનો માહોલ જામતો નથી. પાર્ટી આયોજકો કહે છેકે, નોટબંધી ઉપરાંત દારૃ-હુક્કાબારના પ્રતિબંધને લીધે પણ યુવાઓમાં થર્ટી ફર્સ્ટની મજા રહી નથી.
અત્યાર સુધી તો યુવા ગુ્રપ ખાનગીમાં ફાર્મ હાઉસ-ટેરેસપાર્ટીમાં ડ્રિન્કસથી માંડી હુક્કાબારની મજા માણતા હતાં પણ હવે ગુજરાત સરકારના પ્રતિબંધને લીધે યુવાઓમાં ગભરાટ છ. આ કારણોસર યુવાઓએ નવા વર્ષની ઉજવણી ગોવા,મુંબઇ,દિવ-દમણ,ઉદેપુર, આબુ જવા આયોજન ગોઠવ્યાં છે. કેટલાંક આયોજકોએ પાર્ટી યોજવાનું માંડી વાળ્યું છે. હજુ સુધી પોલીસને પણ પાર્ટી માટેની અરજીઓ ઘણી ઓછી મળી શકી છે. એટલું જ નહીં, પાર્ટીઓમાં બેલે ડાન્સર-બોલિવુડની સેલિબ્રિટી પણ બોલાવવાનું ટાળવામાં આવ્યું છે.
આ વર્ષે અમદાવાદની સ્ટાર હોટલો સહિત ગણ્યાં ગાંઠયા સ્થળોએ થર્ટી ફર્સ્ટની પાર્ટી યોજાશે જેમાં માત્ર યુવાઓ ડાન્સ-ફુડની મજા માણશે. હોટલો-કલબોમાં પણ આ વર્ષે નોટબંધીની અસર વર્તાય તેવો આયોજકોને ભય સતાવી રહ્યો છે. ચાલુ વર્ષે લોકો કાંકરિયા,વસ્ત્રાપુર,સીજી રોડ જઇને વર્ષ ૨૦૧૬ને અલવિદા કહેશે. ટૂંકમાં, થર્ટી ફર્સ્ટની રંગત નોટબંધીને લીધે ફિક્કી જણાશે.