રોકડિયો પાક પકવતા ખેડૂતોને આજની વર્તમાન સ્થિતીમાં પોષણક્ષમ ભાવો મળતાં નથી. જેના કારણે ખેડૂતોનો ખર્ચ પણ નિકળી શકતો નથી. આવા સમયે બજારની સ્થિતી સુધરે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેવા આશયથી ભરોડા વારાહી માતાજીના મંદીરે ગામૈયો યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હાઇટેક ખેતી કરનારા ખેડૂતો પણ જોડાયા હતા. ભરોડા ટોકનેકેટ કિસાન સમિતીના અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, રોકડિયા પાક કરનાર ખેડૂતો અને ખાસ કરીને ચરોતરના ગામડાઓમાં શાકભાજીનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે. સરકારે જે નિર્ણય લીધો છે તેના કારણે હાલમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં નથી. આવી સ્થિતિમાં ખેડૂતો નાસીપાસ ના થાય તેમજ સરકાર દ્વારા આ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવો આપવામાં આવે તેની આજીજી કરતાં વહેરાઇ માતાના મંદિરે એક હોમાત્મક યજ્ઞ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામના તમામ પ્રજાજનો જોડાયા હતા. તેમજ આવનાર દિવસોમાં પરિસ્થિતિ સુધરે તે માટેની આજીજી કરી હતી. સામાન્ય રીતે કોઇપણ મુશ્કેલીની સ્થિતિમાં ભગવાનના શરણે જતાં હોઇએ છીએ. આ સમયમાં પણ ખેડૂતોને ભગવાન ધીરજ આપે તેવા આશય સાથે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો.