આનંદીબેન પટેલે અચાનક આપેલા રાજીનામા બાદ ભાજપે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી બનાવીને નવી સરકાર રચી હતી. આ સરકારના એક મહિનાના શાસનના સમયમાં જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે સંકલનના અભાવ અને રાજકીય હુંસાતુસીમાં અંતર વધી ગયું છે. આ અંતર હવે પક્ષના આંતરિક જૂથની સાથે જાહેરમાં પણ દેખાવા લાગ્યું છે. EBCના મામલે સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે ચાર કલાક સુધી યોજાયેલા હાઇવોલ્ટેજ ડ્રામા દરમિયાન બન્ને વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી જેને કારણે સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે અબોલા થયા હોવાનું ભાજપના સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા 10 દિવસથી ગુજરાત સરકારના જાહેર કાર્યક્રમોની જાહેરાતો, હોર્ડિંગ્સ અને બેનરોમાંથી પણ ડેપ્યુટી સીએમના ફોટાની બાદબાકી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાત સરકાર સ્પોન્સર વાઇબ્રન્ટ નવરાત્રિ ઉત્સવના હોર્ડિંગ્સમાં મુખ્યમંત્રી અને પીએમના ફોટા મૂકવામાં આવ્યા છે, જ્યારે ડેપ્યુટી સીએમના ફોટા મૂકવામાં આવ્યા નથી. જાહેર કાર્યક્રમોનો પણ ડેપ્યુટી સીએમની બાદબાકી ભાજપના આગેવાનો અને કાર્યકરોની નજરે પડતાં પક્ષમાં પણ બન્ને વચ્ચેનો ખટરાગ ચર્ચાનો વિષય બની ગયો છે.