ગુજરાત અને થાઇલેન્ડ વચ્ચે બૌધ્ધ પ્રવાસન વિકસાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુંબઇ સ્થિત થાઇલેન્ડ કોન્સ્યુલેટ જનરલ એકાપોલ પુલપીપાત એ ગાંધીનગરમાં સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી. એકાપોલે જનૂ-ર૦૧૬થી તેમનો પદભાર સંભાળ્યો છે અને તેમના કાર્યક્ષેત્રમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે તે સંદર્ભમાં તેમણે મુખ્યમંત્રીની સૌજન્ય મૂલાકાત લીધી હતી.મુખ્યમંત્રીએ થાઇલેન્ડના પ્રવાસે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ જાય છે તેની ચર્ચા કરતાં ગત વર્ષ ૧.ર૦ લાખ થાઇ પ્રવાસીઓ ભારતમાં વડનગર સહિતના બૌદ્ધ પ્રવાસન સ્થાનોની મૂલાકાતે આવેલા તેની જાણકારી આપી હતી. આ સંદર્ભમાં ગુજરાત-થાઇલેન્ડ વચ્ચે ટૂરિઝમ સેકટર ડેવલપમેન્ટ અંગે તેમણે પરામર્શ કર્યો હતો. આ ઉપરાંત આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦૧૭માં થાઇલેન્ડ પાર્ટનર કન્ટ્રી બન્યું છે તથા ર૦૧પના વાયબ્રન્ટ સમિટમાં થાઇલેન્ડ રાજદૂતના નેતૃત્વમાં ૧ર સભ્યોનું એક ડેલિગેશન સહભાગી થયેલું તેની પણ ચર્ચા આ મૂલાકાત બેઠક દરમ્યાન કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત થાઇલેન્ડ વચ્ચે ટૂરિઝમ, પોર્ટસ, ઇલેકટ્રોનિક ગુડસ, જેમ્સ એન્ડ જવેલરી, ઓટો પાર્ટસ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ અને ડાયમંડ તથા ગારમેન્ટ ઊદ્યોગોના ક્ષેત્રોમાં પરસ્પર સહકાર વિષયે ફળદાયી ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત દેશના કુલ કાર્ગોમાં ૪૧ ટકા હિસ્સો ધરાવે છે અને રાજ્યનો દરિયાકિનારો-બંદરો વિકાસની વિપૂલ સંભાવનાઓથી ભરપૂર છે તે સંદર્ભમાં થાઇલેન્ડ સાથે પોર્ટ ક્ષેત્રના PPP ધોરણે વિકાસ માટેની દિશામાં પણ ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન તથા ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.