કોઈ પણ સ્થળે સૌથી મોટી માથુ ફાટી જાય તેવી ગંદકી એંઠવાડ વગેરે ઓર્ગેનિક વેસ્ટ કે જે ઝડપથી સડે છે તેનાથી ફેલાય છે. રાજકોટમાં હવે રોજ ૧૫ ટન એંઠવાડને અલગ એકત્ર કરીને તેમાંથી વિજળી અને ટનબંધ ખાતર પેદા કરવા મનપાએ કાર્યવાહી હાથ ધરી છે.મનપાના સૂત્રો અનુસાર એંસી ફૂટના રોડ પર ભાભા એટમિક રિસર્ચ સેન્ટર મારફત પ્લાન્ટનું કામ હાલ પૂર્ણતાના આરે છે જ્યાં રોજ ૫ ટન કચરો પૂરો પાડવામાં આવશે અને તેમાંથી રોજ મિથેલ ગેસ અને તેનાથી આશરે ૪૦૦ યુનિટ વિજળી પેદા થશે.આ અંગે મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ વધુમાં ઉમેર્યું કે આ પ્લાન્ટની પાસે જ મનપાનો ઢોર ડબ્બો આવેલો છે જ્યાં સેંકડો ગાયોનુ છાણ પેદા થાય છે જે હાલ વેસ્ટેજ તરીકે નાંખી દેવાય છે તેમાંથી પણ આ ગેસ ઉત્પન્ન થશે.બીજી તરફ મનપાએ શહેરમાં આવેલી હોટલો,રેસ્ટોરાં, વાડી, કોમ્યુનિટી હોલ વગેરે સ્થળે મોટા પાયે પેદા થતા એંઠવાડ સહિતનો ઓર્ગેનિક વેસ્ટ હવે અલગ રીતે એકત્ર કરીને તેને પ્રોસેસ કરીને તેમાંથી ખાતર બનાવવા નિર્ણય લીધો છે. આ માટે જ્યુબિલી શાકમાર્કેટ કે જ્યાં શાકભાજીનો કચરો સહેલાઈથી મળે છે ત્યાં તેમજ રૈયાધાર પાસે એમ બે સ્થળે પાંચ-પાંચ ટનની ક્ષમતાના પ્લાન્ટ નાંખવા માટે કમિશનર દ્વારા દરખાસ્ત કરાઈ છે.આ માટે મનપાને રૃ।.૧.૪૭ કરોડ પ્લાન્ટ સ્થાપવાનો ખર્ચ અને પ્રતિ ટન કચરો પ્રોસેસ કરીને ખાતર બનાવવા માટે રૃ।.૧૬૨૦નો ભાવ નક્કી થયો છે જેના પર સ્થાયી સમિતિ મંજુરીની મ્હોર માર્યા બાદ કામગીરી હાથ ધરાશે.મ્યુનિ.અધિકારી સૂત્રોએ જણાવ્યું કે ૧૦ ટન ઓર્ગેનિક વેસ્ટને પ્રોસેસ કરવાથી ૩થી ૪ ટન ખાતર મળે તેમ છે. જે ખાતરનો ભાવ અંદાજે રૃ।.૩૦૦૦થી ૩૫૦૦ પ્રતિ ટન ગણાય છે.ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર-૨૦૧૩ સુધી રાજકોટમાં રોજ ૪૫૦ ટન કચરાનું પ્રોસેસથતું હતું તે ત્રણ વર્ષથી બંધ છે અને આ સહિતના કારણોથી રાજકોટ સ્વચ્છતામાં દેશમાં ટોપ-૫માં આવી શક્યું નથી.ટૂંક સમયમાં રાજકોટમાં સ્વચ્છતા અંગે કેન્દ્રની ટીમ દ્વારા ફરી સર્વેક્ષણ હાથ ધરાનાર છે ત્યારે મનપાએ કચરાનું રિસાયકલીંગ હાથ ધરવા તૈયારીઓ આદરી છે.