કાળાં નાણાંની ચર્ચા વચ્ચે જ્યાં દેશનાં મોટાભાગનાં ઔદ્યોગિક સેક્ટરોમાં મંદીનો માહોલ છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં પ્લાસ્ટિક ઉદ્યોગની ગાડી પ્રગતિના પંથે છે. અહીં ગુજરાતનો ઉલ્લેખ અલગથી એટલે કરવો પડે કારણ કે દેશની પ્રથમ ખાનગી આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક યુનિવર્સિટી ગુજરાતમાં વાપી પાસેના ડુંગરા ગામે આકાર લઈ રહી છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં યોજાનાર પ્લાસ્ટઈન્ડિયા એક્ઝિબિશનના સરવૅ મુજબ હાલ દેશના કુલ પ્લાસ્ટિક ઉદ્યોગનું ૬૦ ટકા જેટલું કામ એકલા ગુજરાતમાં થાય છે. પ્લાસ્ટિકના વપરાશ મામલે ભારત વિશ્વમાં અમેરિકા, ચીન બાદ ત્રીજા ક્રમે છે. ભારતમાં પ્લાસ્ટિકનો માથા દીઠ વપરાશ વર્ષે અંદાજિત ૧૦ કિગ્રા. છે જ્યારે વિશ્વમાં તે ૨૫ કિગ્રા. જેટલો છે. હાલ ભારતમાં પ્લાસ્ટિકનો વપરાશ વાર્ષિક ૧૨ મિલિયન મેટ્રીક ટન છે જે આગામી પાંચ વર્ષમાં વધીને ૨૦ મિલિયન મેટ્રીક ટન થવાની શક્યતા છે. પ્લાસ્ટિક નિર્મિત ચીજવસ્તુઓની નિકાસ અત્યારે ૭.૯ અબજ ડૉલર છે તે પાંચ વર્ષમાં વધીને બમણી થઈને ૧૫ અબજ ડૉલર થવાની આશા છે. તેમાં ગુજરાતની પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝનો ફાળો બહુ મોટો હશે. આગામી વર્ષોમાં વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું પ્લાસ્ટિક એક્ઝિબિશન પ્લાસ્ટઈન્ડિયા ગાંધીનગરમાં યોજાનાર છે એ જોતાં નિષ્ણાતોની વાતમાં દમ છે. એક અંદાજ મુજબ ગુજરાતનો પ્લાસ્ટિક ઉદ્યોગ ૨૦ ટકા વૃદ્ધિ કરી રૂ.૯૦ હજાર કરોડને આંબશે