વડોદરા નેશનલ હાઈવે પર રવિવારે રાતે સર્જાયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર કાર 3 વાહનો સાથે અથડાઇને પલટી ખાઇ ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 9 વ્યક્તિના મોત થયા હતા. જ્યારે 4ને ગંભીર ઇજા થઇ હતી. ફોર્ચ્યુનર કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને પગલે કાર પહેલા સ્વિફટ કારમાં અને ત્યારબાદ બીજી એક કાર સાથે અથડાઇ હતી. અકસ્માતમાં સુરત અને અમદાવાદના પરિવારોના લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.પૂરઝડપે જતી કાર બે વાહનોમાં અથડાયા બાદ રોંગસાઇડ પર ધસી ગઇ હતી. જેને પગલે સામેથી આવતી લકઝરી બસમાં ધડાકાભેર ભટકાયા બાદ પલટી ખાઇ ગઇ હતી. ઘટના સ્થળેથી મળતી વિગતો અનુસાર મૃતકોમાં 4 બાળકો, 3 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. 4 જેટલા ઇજાગ્રસ્તો છે. બનાવને પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. ગંભીર રીતે ઘવાયેલા કેટલાકની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતને પગલે થોડા સમય માટે હાઇવે પર વાહન વ્યવહાર અવરોધાયો હતો. બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા સાથે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. તો બીજી બાજુ આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર ઠાકોરજી નગરમાં રહેતાં ભીલ પરિવારના પાંચ સભ્યો સાંજના આણંદ રેલવે સ્ટેશન પાછળ આવેલા મહાદેવજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તે સમયે રેલવે લાઇન ક્રોસ કરતી વખતે વડોદરા તરફ પૂરઝડપે આવી રહેલ ગરીબરથની અડફેટમાં બે મહિલા અને અઢી વર્ષની બાળકી આવી જતાં ત્રણેય ફંગોળાઇ ગયા હતા. તેઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.