ગેંગસ્ટર મુકેશ હરજાણીની પોઇન્ટ બ્લેન્કથી ફાયરિંગ કરીને હત્યા કરવામાં તેના જ વિશ્વાસુ અને તેના ઉઘરાણીથી ત્રાસી ગયેલા માણસોએ રતલામના બે શુટરોને રૂ.20 લાખની સોપારી આપીને કરાવી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે આ ગુન્હામાં મુકેશ હરજાણીના માથામાં ગોળી મારનાર અનિલ ઉર્ફ એન્થોનીની રતલામથી ધરપકડ કરી વડોદરા લાવી હતી. ગુનાની ગૂંચ ઉકેલવા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. ગેંગસ્ટરની હત્યાના ગુનાની તપાસ કરવા માટે પૂરતો સમય મળી રહે તે માટે પોલીસે ગત જૂલાઈ મહિનામાં થયેલી રૃ.૨૨ લાખની લૂંટના ગુનામાં એન્થોનીની ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર મનોજ શશીધરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, એક સમયે મુકેશ હરજાણી, વિજય ઉર્ફ વીજુ ઉર્ફ વિનોદ મુરલીધર સિંધી, કલ્પેશ કાછીયા અરવિંદ પટેલ ,સંજય ઉર્ફ આર.એક્સ. રમેશભાઇ દવે, અને અનિલ ઉર્ફ એન્થોની મુલચંદ ગંગવાણી સાથે કામ કરતા હતા. પરંતુ, મુકેશ હરજાણી આણંદના ચકચારી કલ્પેશ ચાકા મર્ડર કેસમાં જેલમાં ગયા બાદ દારૂનો ધંધો વીજુ સિંધી ચલાવી રહ્યો હતો. જ્યારે અન્ય પોતાની રીતે જમીન, દારુ સહિતના ધંધા કરવા લાગી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મુકેશ હરજાણીની હત્યાની સોપારી રૂપિયા 20 લાખમાં રતલામના શાર્પ શુટર સલીમ અને અકબરને આપવામાં આવી હતી. નક્કી કરેલી રકમ પૈકી રૂ.5 લાખ કલ્પેશ કાછીયા અને સંજય દવેએ તેઓને ચૂકવી દીધા છે. અનિલ ઉર્ફ એન્થોનીએ મુકેશ હરજાણીની નજીક જઇ તેના માથામાં ગોળી મારી હતી. અનિલ ઉર્ફ એન્થનીને ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે મધ્યપ્રદેશના જાવરા ખાતેથી ઝડપી પાડ્યો છે. અનિલ ઉર્ફ એન્થોનીની હરણી રોડ ઉપર થયેલી રૂ.22 લાખની લૂંટમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ગન્હાની તપાસમાં તેની મુકેશ હરજાણી હત્યા કેસમાં સંડોવણી બહાર આવતા ગત રાત્રે તેની મુકેશ હરજાણીની હત્યામાં ધરપકડ કરવામાં આવી છે.