ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ અને એલર્ટ વચ્ચે કોસ્ટ ગાર્ડના જહાજ 'સમુદ્ર પાવક'એ અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકિસ્તાન બોટ ઝડપી પાડી છે. બોટમાં 9 જેટલા લોકો સવાર હતા, કોસ્ટગાર્ડ, પોલીસ અને નેવી દ્વારા બોટ અને ક્રુ મેમ્બર્સને પોરબંદર લાવી સ્થાનિક પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરોએ પૂછપરછ હાથ ધરી છે. સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું હતું કે કોસ્ટગાર્ડનું ‘સમુદ્ર પાવક’ જહાજ રવિવારે સવારે પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે 10.15 વાગે આ બોટ પકડાઈ હતી. પ્રાથમિક તપાસમાં આ બોટમાં પાકિસ્તાની ખલાસીઓ હોવાનું અને તેમની પાસેથી કંઇ વાંધાજનક મળ્યું નહીં હોવાનું જાણવા મળ્યું છે. કરાચી પાસેના સેટેલાઈટ પોર્ટ પરથી બે સંદિગ્ધ બોટો રવાના થઈ હોવાની માહિતી નેવી તથા કોસ્ટગાર્ડને આપવામાં આવી છે. આ બોટ્સમાં રહેલા આતંકવાદીઓ મહારાષ્ટ્ર કે ગુજરાતમાં કોઈ ઘટનાને અંજામ આપવા પ્રયાસ કરી શકે છે. આ સ્પેસિફિક ઈન્ટેલિજન્સ ઈનપુટને પગલે કોસ્ટગાર્ડ ઉપરાંત નેવીને આ વિસ્તારમાં સતર્ક છે. આ ઘટનાને પગલે હજીરાના દરિયાકાંઠે પણ સુરક્ષા કડક બનાવાઈ છે. થોડા દિવસો પૂર્વે આઇ.એમ.બી.એલ. (ઈન્ટરનેશનલ મરીટાઈમ બાઉન્ડ્રી લાઈન) નજીક પાકિસ્તાની બોટ ઘૂસી આવતાં સુરક્ષા એજન્સીઓ સફાળી જાગી ઊઠી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ 1600 કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો ધરાવે છે. અસંખ્ય નિર્જન ટાપુઓ અને આંતરિયાળ કિનારાઓ છે. આતંકવાદ સંગઠનો માટે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો એન્ટ્રી પોઇન્ટ બની શકે તેમ છે. વર્ષ 2008માં મુંબઇમાં તાજ હોટેલ પર આતંકી હુમલો થયો ત્યારે સૌરાષ્ટ્રના કિનારાનો ઉપયોગ થયો હતો.