દેશની પશ્ચિમી સીમાના સરહદી તાલુકા સુઈગામનો આર્થિક અને સામાજિક રીતે વિકાસ થાય, પ્રવાસન વિકસે, પ્રવાસનની સાથે સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થાય તે હેતુથી નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે સીમા અશ્વ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડર ટુરિઝમ ડેવલપમેન્ટને એક નવો આયામ આપતા ગુજરાતના સીએમના માર્ગદર્શન હેઠળ 10 થી 12 જાન્યુઆરી 2017ના રોજ રાષ્ટ્રીય કક્ષાના અશ્વ મહોત્સવની ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં 500થી વધુ અશ્વો ભાગ લેશે અને ગુજરાત, રાજસ્થાન અને પંજાબના અશ્વ સવારો ઉમટશે. આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણો જોઈએ તો શણગારેલા અશ્વો, અશ્વ સવાર નિદર્શન, ઢોલના તાલે અશ્વ કર્તબ, જંપીગ, પાટીદોડ, રેવાલચાલ, લાંબી અશ્વ દોડ, એન્ડ્યુરન્સ, બેરલ રેસ, મટકી ફોડ, ઊંટ દોડ, બળદ ગાડા દોડનો સમાવેશ થાય છે. તેની સાથે લોક ડાયરા અને સાંસકૃતિક કાર્યક્રમો પણ યોજાશે.