Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

32 રંગોવાળી સાડી, કિંમત ફક્ત 50 લાખ રુપિયા!

32 રંગોવાળી સાડી, કિંમત ફક્ત 50 લાખ રુપિયા!
, બુધવાર, 26 ફેબ્રુઆરી 2014 (13:04 IST)
P.R
હજારો અને લાખો રૂપિયાની સાડીઓ વિશે ઘણી વાર સાંભળવા મળતું હોય છે અને જોવા પણ મળતી હોય છે. પરંતુ એવી સાડી ભાગ્‍યે જ જોવા મળે છે જે લાખો રૂપિયાની તો છે જ પણ જેને બનાવવામાં એક વર્ષ જેટલો સમય લાગ્‍યો હોય! એક અનોખી સાડી મહિલાઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની છે. આ સાડી ૩૨ રંગોની છે અને તેની કિંમત ૫૦ લાખ રૂપિયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, એક સાડીને બનાવવામાં એક વર્ષનો સમય લાગ્‍યો છે. આ ૩૨ રંગની સાડીમાં ત્રણ પ્રાથમિક રંગ અને ત્રણ દ્વિતીય શ્રેણીના રંગોનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. સાથે સાડીમાં આ છ રંગોના પાંચ અલગ ટોન અને સફેદ અને કાળો રંગ પણ છે.

સાડી બનાવનારા હાજી બાદશાહ મિયાંના જણાવ્‍યા અનુસાર આ અમૂલ્‍યવાન સાડીને બનાવવામાં નગીના મોહરા ટેક્‍નીકનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. આ ટેક્‍નીક અંતર્ગત પીએચ મીટરના માધ્‍યમથી પાણીની શુદ્ધતાની ચકાસણી કર્યા બાદ રંગ તૈયાર કરવામાં આવે છે અને આ રંગોથી સાડી બનાવવામાં આવે છે. આ રંગ ૧૦૦% ઇકો ફ્રેન્‍ડલી હોય છે. જેનાથી ત્‍વચાને પણ નુકસાન થતું નથી. આ સાડીને બનાવવા માટે બાદશાહ મિયાંને રાષ્‍ટ્રપતિ દ્વારા પુરસ્‍કૃત પણ કરવામાં આવ્‍યા છે. બાદશાહ મિયાંના કહ્યા મુજબ ૫૦ લાખ રૂપિયા કિંમત હોવાને કારણે આ સાડીની ખરીદી મુખ્‍યરીતે રાજ ઘરાનાની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે, મહિલાઓ અમને ઘણી વાર ઓછી કિંમતમાં પણ આ પ્રકારની સાડી તૈયાર કરવાની માંગ કરે છે. પણ આવું શક્‍ય નથી કારણ કે આને તૈયાર કરવામાં બહુ જ સમય લાગે છે. કારણ કે આ માટે પાણીની ક્ષારીય અને તેજાબી ગુણોની તપાસ કરવી પડે છે. ત્‍યારબાદ રંગો તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત જાપાન જેવા દેશમાંથી પણ આની માંગ ઉઠી રહી છે. બાદશાહ મિયાંના સ્‍ટોલ પર એવી સાડીઓ અને દુપટ્ટા પણ જોવા મળે છે જેને ૨૪ કેરેટ સોનામાંથી તૈયાર કરવામાં આવ્‍યો હોય છે. સોનાના દુપટ્ટાની કિંમત ૫૦,૦૦૦ રૂપિયા અને સાડીની કિંમત ૫ લાખ રૂપિયા છે.

Share this Story:

Follow Webdunia gujarati