Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત રોડ અકસ્માત : 9 એનઆરઆઈના મોત

સુરત રોડ અકસ્માત : 9 એનઆરઆઈના મોત
, સોમવાર, 19 ડિસેમ્બર 2011 (14:27 IST)
P.R
સુરતના કોંસબા પાસે આવેલા ધામરોડ ગામ પાસે નેશનલ હાઇવે નંબર આઠ પર સવારના 11.15 વાગ્યાના સુમારે અંકલેશ્વર તરફ જઇ રહેલી ટાટા સુમો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ટાટા સુમોમાં મુસાફરી કરી રહેલા 10 મુસાફરો પૈકી નવ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર હેઠળ અંકલેશ્વર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કોંસબા પાસે આવેલા ધામરોડ ગામ નજીક આજે સવારે સુરત તરફ જઇ રહેલી ટાટા સુમોના ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યો હતો. ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલી ટ્રક સાથે અથડાઇ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ટાટા સુમો ત્રણથી ચાર પલ્ટી ખાઇ ગઇ હતી. આ સમયે ટાટા સુમોમાં બેઠેલા દશ જેટલા વ્યક્તિઓએ બચાવો...બચાવો...ની બુમાબુમ કરી મુકી હતી. અકસ્માત સમય ટ્રક ચાલકે પણ ઘણો કંટ્રોલ કરવા પ્રયત્ન કર્યો હતો. પણ, ટ્રક ઉંઘી વળી ગઇ હતી. ટ્રકની ટક્કરથી 50 ફુટ જેટલી ફંગોળાયેલી ટાટા સુમોમાં બેઠેલા લોકોના અવાજ સાંભળીને ધામરોડ ગામ અને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો દોડી આવ્યા હતા. અને સુમોનો સીધી કરીને અંદરથી ચાર મહિલાઓ અને છ પુરૂષોને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢ્યા હતા.

આ સમયે 108 અને સુરત રૂરલ પોલીસને જાણ કરતા ડીએસપી પીપુષ પટેલ અને 108ની ચારથી પાંચ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. પણ, ટાટા સુમોમાંથી લોહીલુહાણ હાલતમાં બહાર કાઢવામાં આવેલી ચાર મહિલાઓ અને પાંચ પુરૂષોએ 108ની સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો. જ્યારે એક વ્યક્તિને સારવાર માટે અંકલેશ્વર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.

સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ વ્યક્તિઓ એનઆરઆઇ હતા અને કોંસબા પાસેના સાવલી ખાતે તા.25ના ડિસેમ્બરના રોજ લગ્ન એટેટન્ડ કરવા માટે આવ્યા હતા. આજે સવારે ટાટા સુમોમાં તે સુરત કરજણ ખાતે ખરીદી કરવા માટે નીકળ્યા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.

આ અંગે સુરત રૂરલ ડીએસપી પિયુષ પટેલે જણાવ્યું કે હજુ સુધી કોઇ મરનાર અંગે કોઇ ઓળખ થઈ શકી નથી. તેમના વાલીવારસોને જાણ કરી છે. મૃતદેહની ઓળખવિધી પછી જ મરનાર વ્યક્તિઓના નામ જાહેર કરી શકાય તેમ છે.

એક સાથે નવ એનઆરઆઇના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ગમગીની વ્યાપી ગઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati