Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્વેતાંગ પટેલના બેસણામાં હાર્દિક પટેલ અને કોંગ્રેસના ટોચના નેતાઓએ હાજરી

શ્વેતાંગ પટેલના બેસણામાં હાર્દિક પટેલ અને કોંગ્રેસના ટોચના નેતાઓએ હાજરી
અમદાવાદ, , ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (15:57 IST)
રપ ઓગસ્ટે યોજાયેલી પાટીદાર મહાક્રાંતિ રેલી બાદ શહેરમાં ફાટી નીકળેલાં તોફાનો દરમિયાન બાપુનગર પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા શ્વેતાંગ પટેલનું આજે સવારે બેસણું રાખવામાં આવ્યું હતું. બેસણામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ, ઉપરાંત કોંગ્રેસના ટોચના નેતાઓએ હાજરી આપી હતી. હાર્દિક પટેલે મૃતકની માતા પ્રભાબહેનને રૂ.એક લાખની સહાયનો ચેક આપ્યો હતો.

તોફાનો દરમિયાન બાપુનગર વિસ્તારમાં આવેલ એપ્રોચ પોલીસ ચોકી સળગાવવાના તેમજ રાયોટિંગના ગુનામાં બાપુનગર પોલીસ માતૃશકિત સોસાયટીમાં રહેતા શ્વેતાંગ પટેલ તેમજ અન્યને પોલીસ કસ્ટડીમાં લઇ ગઇ હતી. 

શ્વેતાંગ પટેલના બેસણામાં મોટી સંખ્યામાં પાટીદારો ઊમટી પડયા હતા. બેસણા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સવારથી જ પેરામિલેટરી ફોર્સ તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સ્ટેન્ડ ટુ રહ્યા હતા.

દરમિયાનમાં શ્વેતાંગ પટેલનું મોત નીપજતાં લોકોનો પોલીસ સામેનો રોષ વધ્યો હતો. સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચતાં તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ હતી. શ્વેતાંગની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. તેમજ શ્વેતાંગ પટેલના બેસણામાં પણ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે મૃતકના પરિવાર સાથે કોંગ્રેસ પક્ષ ઊભો રહેશે અને બનશે તેટલી સહાય કરશે. બેસણામાં એએમટીએસના ચેરમેન બાબુભાઇ ઝડફિયા, વલ્લભભાઇ કાકડિયા, ગોરધન ઝડફિયા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. 

સૌરાષ્ટ્ર પટેલ સમાજના આગેવાન પુરુષોત્તમભાઇ કકાણીએ રૂ.એક લાખનો ચેક અર્પણ કર્યો હતો. જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પણ બેસણામાં હાજર રહ્યા હતા અને શ્વેતાંગના માતા પ્રભાબહેનને રૂ.એક લાખનો ચેક અર્પણ કરી તેઓને સાંત્વના આપી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે શહિદ પાટીદારોના બેંક એકાઉન્ટ ખોલાવવામાં અાવ્યા છે જેમાં પાટીદારો બનશે તેટલી સહાય કરશે.

Share this Story:

Follow Webdunia gujarati