Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકારણીઓ, બુટલેગરો અને પીએસઆઈના ત્રાસથી કોન્સ્ટેબલની આત્મહત્યા. સુસાઈડ નોટમાં ઉલ્લેખ

રાજકારણીઓ, બુટલેગરો અને પીએસઆઈના ત્રાસથી કોન્સ્ટેબલની આત્મહત્યા. સુસાઈડ નોટમાં ઉલ્લેખ
, ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (13:46 IST)
ભાભર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નાગજીજી સ્વરૂપજી ઠાકોરે બુટલેગરો તેમજ રાજકીય અગ્રણીઓના ત્રાસથી બુધવારે વહેલી સવારે ભાભરમાં જ રેલવે ટ્રેક નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. તેમની બોલેરો જીપમાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખાયેલા નામના આધારે ભાભર નગરપાલિકાના ભાજપના પ્રમુખ વૈકુંઠરામ ઠક્કર, પીએસઆઇ આર.જી. ચૌધરી સહિત આઠ શખસો સામે પોલીસે આપઘાત કરવા માટે દુષ્પ્રેરણ કરવાનો ગુનો નોંધી ભાભર તાલુકા પોલીસને તપાસ સોંપાઇ છે.

બીજીતરફ પોલીસકર્મીની હત્યા કરાઇ હોવાના પરિવારજનો તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આક્ષેપોથી ભારે ઉત્તેજના પ્રસરી હતી. ઘટનાને પગલે ઠાકોર સેનાએ બજાર બંધ કરાવી દીધું હતું અને મૃતદેહ લેવાનો ઇન્કાર કરતાં જિલ્લા પોલીસવડા દ્વારા વીડિયો રેકોર્ડિંગ સાથે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવાની અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની ખાત્રી અપાતાં આખરે ભાભર રેફરલમાં મૃતદેહનું પીએમ કરાયું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ભેગા થઇ ગયા હતા.ભાભર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નાગજીજી સ્વરૂપજી ઠાકોરનો મૃતદેહ બુધવારે સવારે ભાભરમાં રેલવે ટ્રેક ઉપરથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નજીકમાં કાચ તૂટેલી હાલતમાં ઉભેલી તેમની બોલેરો ગાડીમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. 

તો બીજી એક ઘટનામાં કોન્સ્ટેબલ દીપક મકવાણાના આત્મહત્યા પ્રકરણમાં સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હોવા ઉપરાંત હાઈકોર્ટના આદેશ અનુસાર 30 ઓગસ્ટ સુધી ધરપકડ ન કરવાની સમયમર્યાદા પૂરી થતા ક્રાઈમ બ્રાન્ચે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે.ચૌધરીની ધરપકડ કરી લેવા કાર્યવાહી હાથ ધરી છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા દીપક મકવાણાએ ગત 3 ફેબ્રુઆરી 2016ના રોજ રખિયાલ ચાર રસ્તા પાસે ઝેરી પ્રવાહી પીને આપઘાત કરી લીધો હતો. દીપકની સુસાઈડ નોટમાં નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે.ચૌધરી નોકરીના સમયગાળા દરમિયાન જાતિ-વિષયક શબ્દો ઉચ્ચાર્યા ઉપરાંત વધુ સમય નોકરી કરાવી માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યાં હતાં. જ્યારે આ ઘટના અંગે મૃતકની પત્ની અંજનાએ પીઆઈ ચૌધરી વિરુદ્ધ 2 ઓગસ્ટના રોજ ક્રાઈમ બ્રાન્ચમાં  એટ્રોસિટીને લગતી ફરિયાદ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ થતા નિકોલ પીઆઈ ચૌધરીએ 15 ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં કોસિંગ અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે અરજી રદ કરી 30 ઓગસ્ટ સુધી પીઆઈ ચૌધરીની ધરપકડ નહીં કરવાના આદેશ પણ આપ્યા હતા.


જ્યારે ત્રીજી ઘટનામાં ઇડરના પોલીસ ક્વાર્ટરમાં રહેતા પોલીસ કર્મીના પુત્રએ ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પ્રાથમિક તપાસમાં પારિવારીક કારણોસર આપઘાત કર્યુ હોવાનું બહાર આવ્યુ હતું.  ઇડર તાલુકાના મોટા કોટડા ગામના વતની અને હાલ વડાલી પોલીસ મથકે જમાદાર તરીકે ફરજ બજાવતા કાળાભાઇનો 33 વર્ષીય પુત્ર હિતેશ જે  ICICI  બેંકની ઇડર શાખામાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ 29મી ઓગસ્ટે કાળાભાઇ તથા ઘરના અન્ય સભ્યો પારિવારિક પ્રસંગે બહાર ગયા હતા ત્યારે સાંજના સમયે કોઇ અગમ્ય કારણોસર હિતેશે ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું.



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિલાયંસ AGMમાં મુકેશ અંબાનીની મોટી ઘોષણા, Jio 4Gમાં સૌથી સસ્તો ડેટા, 50 રૂપિયામાં 1 જીબી