Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહાશિવરાત્રિ દરમ્યાન જૂનાગઢનાં મિની કુંભમેળામાં કુલ સાત પાલખીઓ નીકળશે

મહાશિવરાત્રિ દરમ્યાન જૂનાગઢનાં મિની કુંભમેળામાં કુલ સાત પાલખીઓ નીકળશે
, બુધવાર, 12 ફેબ્રુઆરી 2014 (14:15 IST)
P.R

વિક્રમ સંવત-૨૦૭૦ની મહાશિવરાત્રિ જૂનાગઢમાં ઐતિહાસિક બની રહેશે. સામાન્ય રીતે રવાડીમાં એકમાત્ર જૂના અખાડનાં મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની પાલખી જોડાતી હતી પરંતુ આ વર્ષે એટલે કે વર્ષ-૨૦૧૪, વિક્રમ સંવત-૨૦૧૪માં કુલ સાત પાલખીઓ નીકળશે. ઉપરાંત, હાથી સાથેની વિશિષ્ટ પાલખી પણ જોડાશે. જ્યારે વિવિધ અખાડાઓનાં સાધુ-સંતો સમગ્ર ભારતભરમાંથી ઉપસ્થિત રહેશે.

વિગતો આપતા શ્રીપંચદશનામ જૂના અખાડાનાં વરિષ્ઠ મહામંડલેશ્વર પૂ.ભારતી બાપુએ જણાવ્યું કે જૂનાગઢમાં આ વર્ષે મિનિ કુંભ મેળા જેવો માહોલ સર્જાશે. સામાન્ય રીતે અહીં પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે પરંતુ આ વર્ષે દશમી તિથિ ક્ષય હોવાથી ચાર દિવસનો મેળો થશે. એટલે કે તા.૨૪મી ફેબ્રુઆરીથી તા.૨૭મી ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિનો મેળો યોજાશે.

તેમણે કહ્યું કે વર્ષ-૧૯૯૨થી મહાશિવરાત્રિએ જે પાલખી યાત્રા નીકળે છે, તેમાં અત્યાર સુધી એકમાત્ર મારી જ પાલખી નીકળતી હતી. પરંતુ આ વર્ષથી એટલે કે વર્ષ-૨૦૧૪માં મારા ઉપરાંત, ભરૂચ-ઝાડેશ્વરનાં મહામંડલેશ્વર અલખગિરિજી મહારાજ, પાલનપુર-વિજય હનુમાનજી મંદિરનાં મહામંડલેશ્વર કલ્યાણગિરિજી મહારાજ, ભારતી આશ્રમ-સરખેજનાં મહામંડલેશ્વર કલ્યાણાનંદભારતીજી મહારાજ, ચંબા-પંજાબનાં મહામંડલેશ્વર સ્વામી પ્રકાશાનંદજી, ભીમનાથ મંદિર, ધંધુકાનાં મહામંડલેશ્વર આશુતોષગિરિજી મહારાજ, મુકેશ્વર મહાદેવ-પાટણનાં મહામંડલેશ્વર જયશ્રીકાનંદગિરિજી મહારાજનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે આ સંતોની પાલખી ઉપરાંત બેન્ડવાજા સહિત હાથી સાથેની એક વિશિષ્ટ પાલખી પણ તેમાં સામેલ હશે. જ્યારે આ ચાર દિવસનાં મેળા દરમિયાન છેલ્લા દિવસે, મહાશિવરાત્રિનાં દિવસે મોટી સંખ્યામાં લોકો આવશે. ચારેય દિવસ દરમિયાન આઠ લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ આવશે. જ્યારે ભારતી આશ્રમ ખાતે ભજન-સંતવાણી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે મહાશિવરાત્રિનાં દિવસે દેવાધિદેવ ભગવાન મહાદેવજી અને પાર્વતીજી કોઇપણ સ્વરૂપે અહીં આવતા હોવાની દ્રઢ માન્યતા છે અને તેને કારણે જ મૃગીકુંડમાં સંતો સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. બીજી તરફ અગાઉ દોડધામને કારણે પુલ તૂટતા જાનહાનિ થઇ હતી તે માટેની પૂરતી કાળજી પણ લેવામાં આવી છે અને નવા પુલનું નિર્માણ પણ ભવનાથ વિસ્તારમાં કરાયું છે અને તેનું લોકાર્પણ મેળાનાં એક દિવસ પૂર્વે, તા.૨૩મી ફેબ્રુઆરીએ થશે.

Share this Story:

Follow Webdunia gujarati