Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાણીની તંગી નડી

પાણીની તંગી નડી
ગાંધીનગરઃ , શનિવાર, 23 એપ્રિલ 2016 (13:13 IST)
રાજ્યના અનેક જિલ્લાઓમાં અછતની સ્થિતિ પ્રવર્તી રહી છે. પીવાના પાણીની તંગી છે અને સિંચાઇ માટેનો પુરવઠો અટકાવી દેવામાં આવ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં રોષ ઉભો ન થાય તે માટે રાજય સરકારે અગમચેતી વાપરીને આ વખતે કૃષિ મહોત્સવનો વ્યાપ સાવ ઘટાડી દીધો છે અને અનેક કાર્યક્રમો યોજવાનું મોકૂફ રાખ્યું છે. આ વખતે માત્ર ખેડૂતોને માર્ગદર્શન આપતો સાદો અને ટૂંકો મહોત્સવ યોજાશે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ એમ બંને સિઝનમાં કૃષિ મહોત્સવ યોજવામાં આવે છે. રાજ્યના તમામ તાલુકામાં કાર્યક્રમો, ગામેગામ કૃષિ રથ, ખેડૂતોને વિવિધ સાધનો-બિયારણો સાથેની કિટ્સનું વિતરણ, ભોજન સમારંભ સહિતના આયોજનો આ મહોત્સવ હેઠળ થાય છે. સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કૃષિ મહોત્સવ પાછળ કરે છે. અત્યારસુધી 245 મથકો ઉપર કૃષિ મહોત્સવનું વિશાળ આયોજન થતું હતું પરંતુ હવે સરકારે આયોજન સિમિત રાખ્યું છે.

આ વખતે દરેક જિલ્લામાં માત્ર 2 તાલુકામાં કૃષિ મહોત્સવ યોજાશે. બે દિવસના આ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અંગે, જમીન સુધારા અંગે, બિયારણ અંગે અને ઓછા પાણીમાં વધુ પાક અંગેનું માર્ગદર્શન આપશે. આ સ્થળે પાક-બિયારણ, સાધનો વગેરેના ખરીદ-વેચાણના સ્ટોલ અને પ્રદર્શન પણ યોજાશે. ખેડૂતો માટે ભોજન સમારંભ પણ યોજાશે. જોકે, ગામેગામ ફરતા કિસાન રથ અને ગામડામાં યોજાતી રાત્રિસભાનું આયોજન પડતું મૂકવામાં આવ્યું છે. દરેક તાલુકાઓના ખેડૂતોને આ બે દિવસ દરમિયાન આવરી લેવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

ડિસેમ્બરમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી બાદ રાજ્ય સરકારે રવિ કૃષિ મહોત્સવ યોજ્યો હતો. પાટીદાર આંદોલનના વિરોધ વચ્ચે પણ તમામ તાલુકામાં મહોત્સવ યોજાયો હતો પરંતુ આ વખતે અછતની સ્થિતિને કારણે લોકોમાં રોષ ઉભો ન થાય તે માટે ખોટા ભપકાથી દૂર રહેવા સરકારે સ્પષ્ટ સૂચના આપી છે. કૃષિ મહોત્સવનો મૂળ આશય ખેડૂતોને ખેતીલક્ષી માર્ગદર્શન મળે તેવો હોવાથી તમામ ખેડૂતોને આવરી લેવાશે પરંતુ ખોટી ઝાકમઝોળ નહીં કરાય.

Share this Story:

Follow Webdunia gujarati