Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નડિયાદ-મોડાસા ટ્રેન ર૦ કિ.મી.ની ગતિએ ચાલે છે...બોલો!

નડિયાદ-મોડાસા ટ્રેન ર૦ કિ.મી.ની ગતિએ ચાલે છે...બોલો!
, સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (17:39 IST)
દેશમાં બુલેટ ટ્રેનો દોડાવવાના દિવાસ્વપ્નો વચ્ચે નડિયાદ-મોડાસા વચ્ચે રેલ લાઈન પર ર૦ કિ.મી.ની ધીમી ગતિએ દોડતી ટ્રેનોને લઈ મુસાફરોના સમયનો બગાડ થઈ રહ્યો છે. ર૦ કિ.મી. જેવી ગતિ મર્યાદાના કારણે મોડાસા અને કપડવંજ લાઈનના કાયમી અપડાઉન કરનારા મુસાફરોને નડિયાદથી અમદાવાદ, આણંદ અને વડોદરાના કનેકશનો મળતા નથી. જેના કારણે મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડતો હોવાથી આ ગતિ મર્યાદા દૂર કરવાની માંગ ઉઠી છે.

આ અંગે રેલવે પેસેન્જર એસોસિએશન તરફથી રેલવે વિભાગના અધિકારીઓને જણાવાયું છે કે નડિયાદ-મોડાસા લાઈન પર મહુધાથી બિલોદરાની વચ્ચે આર.સી.સી. સ્લીપર તથા નવી રેલ લાઈન નાંખવામાં આવી છે. છતાં ટ્રેન માત્ર ર૦ કિ.મી.ની ધીમી ગતિએ દોડાવવમાં આવે છે. આ ઉપરાંત હમણાં થોડા દિવસો પહેલાં વીણા ગામ પાસે રેલવે લાઈનમાં ભંગાણ પડયું હતું. જે ફરજ પરના ગેંગમેનની સતર્કતાના કારણે મોટી જાનહાનિ નિવારી શકાઈ હતી. પરંતુ આ લાઈન પર નવી રેલ લાઈન નાંખવા છતાં આવા ભંગાણ પડવાથી મુસાફરોમાં આશ્ચર્ય ફેલાયું છે.

છેલ્લા કેટલાક સમયથી આ લાઈન પર ફકત ર૦ કિ.મી. ની ગતિ મર્યાદામાં જ ટ્રેન દોડાવવામાં આવે છે. પરિણામે નોકરી ધંધાર્થે અને અભ્યાસ અર્થે અપડાઉન કરનાર વર્ગને ભારે હાડમારી વેઠવી પડે છે. ખાસ કરીને સવારના સમયે નડિયાદના સ્ટેશને ટ્રેન મોડી આવતી હોવાથી મોડાસા, કપડવંજ અને મહુધા તરફથી ટ્રેન મારફતે નડિયાદ આવનાર અને અહીંથી અમદાવાદ, આણંદ અને વડોદરા તરફ જનાર મુસાફરોને આગળના કનેકશનો ચૂકી જાય છે અને તેઓને લાંબો સમય ટ્રેનની રાહ જોવી પડે છે.  ઘણી વખત સમય બચાવવા માટે કનેકશન ચૂકનાર મુસાફરોને બસ અથવા ખાનગી વાહનોનો આશરો લઈને રૃપિયા ખર્ચવા પડે છે. આથી તેઓને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે. નડિયાદ-મોડાસા લાઈન પર વર્ષોથી એન્જિનીયરો પોતાના કરેલા કામો પર ઢાંકપિછોડો કરવા માટે વરસાદ હોય કે ના હોય તેમજ લાઈન પર નુકસાન હોય કે ન હોય તો પણ ગતિ મર્યાદાના ઓર્ડર મનસ્વી રીતે ઈશ્યુ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આધુનિક યુગમાં એક તરફ સરકાર અને રેલ તંત્ર બુલેટ ટ્રેનો દોડાવવાની વાતો કરે છે તો બીજી બાજુ નડિયાદ-મોડાસા લાઈન પર ર૦ કિ.મી. ની ધીમી ગતિએ ટ્રેનો દોડાવે છે. જેનાથી મુસાફરોમાં આશ્ચર્ય સર્જાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati