Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશભરમાં ભાજપની સભ્ય નોંધણી ઝૂંબેશમાં ગુજરાત પ્રથમ નંબરે

દેશભરમાં ભાજપની સભ્ય નોંધણી ઝૂંબેશમાં ગુજરાત પ્રથમ નંબરે
, સોમવાર, 20 એપ્રિલ 2015 (17:50 IST)
દેશભરમાં ૧૦ કરોડથી વધુ પ્રાથમિક સભ્યો બનાવવાનો ભાજપનો ટારગેટ ૧૯મીના રવિવારે પૂરો થયો છે પરિણામ સ્વરૂપ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર ભાજપનું નેતૃત્વ ખુશ છે. એમાં ગુજરાત ભાજપની તો ખુશીનો કોઈ પાર જ નથી કેમકે, ભાજપની સભ્ય નોંધણી ઝૂંબેશમાં ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે. એક માહિતી મુજબ ગુજરાતમાં કુલ ૧ કરોડ, ૧૦ લાખ, ૭૫ હજારથી વધુ સભ્યો નોંધાઈ ચૂક્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આ અંગે અભિનંદન પાઠવ્યા છે. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે તેની ઉજવણી પણ કરવામાં આવી હતી. હવે ગુજરાતમાં પહેલી મેથી 'મહાસંપર્ક અભિયાન' હાથ ધરાશે. જેના દ્વારા દેશભરના ૧૦ કરોડથી વધુ ભાજપના પ્રાથમિક સભ્યોનો સંપર્ક કરાશે. આ મહાસંપર્ક અભિયાનના ઈન્ચાર્જ અને સહ-ઈન્ચાર્જ માટે ૨૨મી એપ્રિલે પ્રદેશ ભાજપના કાર્યલય ખાતે એક વર્કશોપ યોજાશે.

પ્રદેશ ભાજપના પ્રવક્તા આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ૨૨મી એપ્રિલે પ્રદેશ ભાજપના પ્રમુખ આર.સી.ફળદુની અધ્યક્ષતામાં આ વર્કશોપ યોજાશે.જેમાં પ્રદેશના પ્રભારી ડો.દિનેશ શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલ, રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી વી. સતીશ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા હાજર રહીને જિલ્લા-મહાનગરોના ઈન્ચાર્જ તથા સહ-ઈન્ચાર્જને માર્ગદર્શન આપશે.

ગુજરાતમાં ૯મી નવેમ્બર,૨૦૧૪થી ૩૧ માર્ચ, ૨૦૧૫ સુધી સંગઠન પર્વની ઉજવણી જાહેર કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાંથી એક કરોડ જેટલા પ્રાથમિક સભ્યોની નોંધણી કરવાનું લક્ષ્યાંક રખાયું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સંગઠન પર્વની મુદ્દતને માર્ચના અંતને બદલે એપ્રિલના અંત સુધી લંબાવી દીધી હતી. નોંધનીય છે કે, ગુજરાત ભાજપનો એક કરોડ પ્રાથમિક સભ્યો બનાવવાનો ટાર્ગેટ તો ક્યારનો પણ પૂરો થઈ ગયો હતો. હવે, ભાજપના સંગઠન પર્વનું સમાપન ૩૦મી, એપ્રિલે કરાયા બાદ દેશભરમાં ૧લી,મેથી મહાસંપર્ક અભિયાનની શરુઆત થશે.જેમાં નવા નોંધાયેલા પ્રાથમિક સભ્યોને ભાજપની વિચારધારા અને કાર્યપધ્ધતિથી વાકેફ કરવામાં આવશે.

આ વર્કશોપમાં રાજ્યના તમામ જિલ્લા, મહાનગરોના મહાસંપર્ક અભિયાનના ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ ઉપરાંત પ્રદેશ હોદ્દેદારો, તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા-મહાનગરોના પ્રભારીઓ, જિલ્લા મહાનગરોના પ્રમુખ-મહામંત્રીઓ, સંગઠન પર્વના જિલ્લા-મહાનગરોના ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ હાજર રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati