Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટૂંક સમયમાં જ નાસ્તાના ટેબલ ઉપર ઊંટડીનું દૂધ પણ જોવા મળશે

ટૂંક સમયમાં જ નાસ્તાના ટેબલ ઉપર ઊંટડીનું દૂધ પણ જોવા મળશે
, સોમવાર, 23 માર્ચ 2015 (12:50 IST)
આવતા દિવસોમાં તમારા નાસ્તાના ટેબલ ઉપર ઊંટડીનું દૂધ પણ જોવા મળશે. હાલ આ માટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક ઓથોરિટીની પરવાનગીની રાહ જોવામાં આવી રહી છે. જીસીએમએમએફની કચ્છ સ્થિત સરહદ ડેરી ટૂંક સમયમાં જ ઊંટડીના દૂધનું ઉત્પાદન-પ્રોસેસિંગ કરી શકે છે. જીસીએમએમએફના સૂત્રોના કહેવા મુજબ અત્યાધુનિક ઇન્સ્યુલિન અને વિટામિનયુકત હોવાના કારણે રણનું જહાજ ગણાતી ઊંટડીથી મળતા દૂધ ઉપર વિચાર કરવામાં ભારતીય ખાદ્ય અને સુરક્ષા ઓથારિટીને ૩ થી ૪ મહિના લાગી શકે છે. ગુજરાત અને રાજસ્થાન જેવા રાજયોમાં ઊંટ મોટી સંખ્યામાં જોવા મળે છે. એવામાં આ રાજયોમાં પશુપાલન વિભાગ પહેલેથી જ ઓથોરિટી પાસેથી જરૂરી પગલાં લેવાની માંગણી કરી ચૂક્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરવાનગી મળવામાં ૩ થી ૪ મહિના લાગી શકે છે. સૂત્રોનું કહેવુ છે કે, આ દૂધ ઘણુ ફાયદેમંદ છે, પરંતુ સીમિત લોકો જ તેનો આનંદ લઇ શકશે. હળવા નમકીન સ્વાદને કારણે વધુને વધુ લોકો સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. કચ્છની સહકારી ડેરી ઊંટડીના દૂધનું ઉત્પાદન કરવાની યોજના માટે તૈયાર છે. સ્થાનિક સહકારી ડેરીઅગ્રણીના ભુજ એકમમાં ઉંટડીના દુધનું ઉત્પાદન શરૂ કરવા માટે ૭૦ થી ૮૦ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

રાજય સરકાર પણ આના ઉત્પાદનમાં રસ લઇ રહી છે. ગુજરાત સરકારના કૃષિ અને સહકારી વિભાગના વડા એ.જે. કચ્છી પટેલનું જણાવ્યા અનુસાર ભુજમાં એકમની સ્થાપના માટે સ્થાનિક સહકારી ડેરીને ૮૦ લાખ રૂપિયા ફાળવી ચુકાયા છે અને દૂધની પ્રારંભિક ક્ષમતા લગભગ પ૦૦૦ લીટર પ્રતિદિન રહેશે. એવી આશા છે કે, તબિયતની કાળજી રાખતા શહેરી લોકો સાથે જ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી પીડિત લોકો પણ તેને પસંદ કરશે. ઊંટડીના દૂધમાં વસાની માત્રા ૧.૩ થી ૩.૩ ટકાની વચ્ચે હોય છે જે ગાય અને ભેંસના દૂધથી ઓછી હોય છે. આ દૂધમાં ઇન્સ્યુલિન માત્રા ઘણી વધુ હોય છે. તેનો ઉપયોગ ટાઇપ-૧ ડાયાબિટીસને રોકવામાં થઇ શકે છે. ક્ષયના રોગના નિવારણ માટે પણ આ દૂધ ઉપયોગી છે. સરહદ ડેરીના સૂત્રોનું કહેવુ છે કે, ઊંટડીના દૂધનો ભાવ ગ્રાહકોની પ્રતિક્રિયા ઉપર નિર્ભર રહેશે. અમે ઊંટડીના દૂધ આપનાર લોકોને ભરપૂર પૈસા આપશું અને અમે શરૂઆતમાં નુકસાન ઉઠાવવા માટે પણ તૈયાર છીએ.

Share this Story:

Follow Webdunia gujarati