Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારની નર્મદા યોજના પેટે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પાસેથી પ૩પ૭.૪૭ ઉઘરાણી બાકી

ગુજરાત સરકારની નર્મદા યોજના પેટે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પાસેથી પ૩પ૭.૪૭ ઉઘરાણી બાકી
, બુધવાર, 2 જુલાઈ 2014 (17:39 IST)
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પાસેથી પ૩પ૭.૪૭ કરોડ લેવાના નીકળે છે. વર્ષો થવા છતાં આ રાજ્યોએ હજુ ગુજરાતને પુરી રકમ ચુકવી નથી. જેના અનુસંધાને આજે વિધાનસભામાં કોંગ્રેસી સભ્યે પ્રશ્ન પુછ્યો હતો કે ક્યા રાજયો પાસેથી કેટલી રકમ લેવાની નીકળે છે. પરંતુ તેમાં સૌથી વધુ રકમ મધ્યપ્રદેશ પાસેથી લેવાની નીકળતી હોવાથી સરકારે તે જવાબ આપવાનું ટાળ્યું હતું. પરિણામે કોંગ્રેસે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો.

આજથી શરૃ થયેલા વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ બારડે પ્રશ્ન પુછ્યો હતો કે તા.૩૧/પ/૧૪ની સ્થિતિએ નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો પાસેથી કેટલી રકમ વસુલવાની થાય છે. જેના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પાસેથી કુલ રૃા.પ૩પ૭.૪૭ કરોડ રૃપિયા લેવાના નીકળે છે. જેમાં ૪ર૬૯.૩ર કરોડ વિવાદિત અને ૧૦૮૮.૧પ કરોડ બિન વિવાદિત રકમ છે.

છેલ્લા બે વર્ષ (ર૦૧ર-૧૩ અને ર૦૧૩-૧૪ તથા ર૦૧૪ના મે માસ સુધીમાં) મધ્યપ્રદેશે માત્ર ૬૯.૮૪ કરોડ, મહારાષ્ટ્રએ ૯પ.૯૮ કરોડ અને રાજસ્થાને માત્ર ૪૮.૭૮ કરોડ રૃપિયા ગુજરાત સરકારને ચુકવ્યાં છે.

જેના પેટા પ્રશ્નમાં બારડે પુછ્યું હતું કે જે પ૩પ૭.૪૭ કરોડ હજુ લેવાના બાકી છે તેમાં ક્યા રાજ્ય પાસેથી કેટલા લેવાના છે તે જણાવો. આ પ્રશ્ન પુછાયો ત્યારે પ્રશ્નોત્તરી પૂર્ણ થવામાં ચારેક મિનિટ બાકી હતી. બાકી લેણામાં સૌથી વધુ રકમ ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશ પાસે બાકી હોવાથી સરકારે તે જવાબ આપવાનું ટાળવા માટે નર્મદા ડેમના દરવાજાની મંજુરી આપવાથી વાત શરૃ કરીને સમય પસાર કરવાનું શરૃ કર્યું હતું.

જો પ્રશ્નોત્તરીનો સમય પૂર્ણ થઈ જાય તો જવાબ ન આપવો પડે તે માટે નર્મદાના દરવાજા મામલે અભિનંદન આપવાથી શરૃ કરતાં ભાજપના સભ્યોએ સતત એક મિનીટ સુધી પાટલી થપથપાવી હતી. આમ કરીને સમય પૂર્ણ કરી દેવાયો હતો અને સરકાર જવાબ આપવામાંથી બચી ગઈ હતી.

પરંતુ કોંગ્રેસના સદસ્ય શક્તિસિંહ ગોહિલે તુરંત જ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી રજૂઆત કરી હતી કે અમારા સભ્યનો સીધો જ પ્રશ્ન હતો કે ક્યા રાજયો પાસે કેટલી રકમ બાકી છે. પરંતુ જાણીજોઈને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમય પસાર કરવા માટે આડીઅવળી વાતો કરી સમય વ્યતિત કરી જવાબ નથી આપ્યો.

આ રજૂઆતના અનુસંધાને અધ્યક્ષ વજુભાઈ વાળાએ શક્તિસિંહની રજૂઆત માન્ય રાખી જવાબ વિધાનસભાના મેજ પર મુકવા આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન છે. છતાં ગુજરાત સરકાર તેની પાસેથી નર્મદાની બાકી રકમ વસુલતી નથી. અને હવે તો રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે. છતાં તેમની પાસેથી પણ બાકી રકમ વસુલાતી નથી. વર્ષ ર૦૦૦થી ગુજરાત સરકારે અનેક વખત કેન્દ્ર અને નર્મદા ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી હતી. આમ છતાં હજુ સુધી તેનો કોઈ જ સાનુકુળ પ્રત્યુત્તર આવતો નથી. જે રાજ્યો બાકી રકમ નથી આપતી તેની સામે ગુજરાત સરકાર લાલ આંખ પણ કરતી નથી.

Share this Story:

Follow Webdunia gujarati