Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ધારાસભ્યોનાં પગારમાં વધારો - ભાજપ-કોંગ્રેસ બંને સંમત!

ગુજરાતમાં ધારાસભ્યોનાં પગારમાં વધારો - ભાજપ-કોંગ્રેસ બંને સંમત!
, શુક્રવાર, 13 માર્ચ 2015 (15:06 IST)
ગુજરાત વિધાનસભામાં ગુરુવારે સામાન્ય વહીવટ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે ધારાસભ્યોના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો કરવાની માગણી કરતા એક તબક્કે ભાજપ-કૉંગ્રેસના તમામ ધારાસભ્યોએ પાટલીઓ થપથપાવીને સમર્થન આપ્યું હતું. મોસાળમાં જમણવાર હોય મા પીરસનાર હોય અને ભાણી-ભાણિયા ભૂખ્યા રહે છે એવી નિરંજન પટેલની કોમેન્ટને પગલે સામાન્ય વહીવટ વિભાગના પ્રધાન રમણલાલ વોરાએ ધારાસભ્યોના પગાર-ભથ્થા વધારવા માટે સરકારનું મન ખૂલ્લું હોવાનો જવાબ આપતા સાચ્ચે જ મોસાળમાં જમણવાર ને મા પીરસવામાં ઘાટ સર્જાયો હોવાની પ્રતીતિ થઈ હતી.

ગુજરાત વિધાનસભામાં આજે ગુરુવારે કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે સામાન્ય વહીવટ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, દિનપ્રતિદિન મોંઘવારી વધતી જાય છે, અન્ય ખર્ચાઓ પણ વધી રહ્યા છે. મત વિસ્તારોમાં પણ વધારો થયો છે. મતદારો પણ વધ્યા છે. ધારાસભ્યોને પોતાના મત વિસ્તારોમાં લોકસંપર્ક માટે જવું પડતું હોય છે. એટલું જ નહીં, લગ્ન પ્રસંગો, બાબરીના પ્રસંગો, બર્થ ડે પાર્ટીઓ, ધાર્મિક પ્રસંગો વગેરેમાં હાજરી આપવા જવું પડતું હોય છે. પેટ્રોલ-ડીઝલના ભાવો વધ્યા છે. આમ ખર્ચાઓ વધતા જાય છે.

બધાના યુનિયનો છે, ધારાસભ્યોનું યુનિયન નથી, રજૂઆત કોને કરે. વિધાનસભા ચાલુ હોય ત્યારે બે દિવસ જવા આવવાનું ભથ્થું મળે છે. પ્રતિદિન રૂ. ૨૦૦નું ભથ્થુ આપવામાં આવે છે તે તો ચા-પાણીમાં જ વપરાય જાય છે. આથી લોકસેવકોને યોગ્ય પગાર ભથ્થાં આપવામાં આવશે તો ભ્રષ્ટાચાર પણ ઘટશે. ચૂંટાયેલા તમામ ધારાસભ્યો સમૃદ્ધ હોતા નથી. રાજકારણમાં સારા માણસો લાવવા હોય તો પગાર-ભથ્થાં વધારવા પડે. કૉંગ્રેસના ધારાસભ્યની આ રજૂઆતને ભાજપના ધારાસભ્યોએ પણ પાટલી થપથપાવીને સમર્થન આપ્યું હતું.

સામાન્ય વહીવટ વિભાગનો હવાલો ધરાવતા પ્રધાન રમણલાલ વોરાએ જવાબ આપતા જણાવ્યું હતું કે આપણે લોકોની સેવા કરવા માટે આવીએ છીએ, છતાં આ સંદર્ભે સરકારનું મન ખુલ્લું છે.

Share this Story:

Follow Webdunia gujarati