Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીજીની પ્રતિમા સાથે પોતાની તસવીર ખેંચાવીને પોસ્ટલ સ્ટેમ્પ તૈયાર કરી શકાશે

ગાંધીજીની પ્રતિમા સાથે પોતાની તસવીર ખેંચાવીને પોસ્ટલ સ્ટેમ્પ તૈયાર કરી શકાશે
, બુધવાર, 13 ઑગસ્ટ 2014 (14:08 IST)
૧૫મી ઓગસ્ટથી સાબરમતી આશ્રમના મુલાકાતીઓ માટે એક વિશેષ નવલું નજરાણું મળી રહેશે. હવેથી મહાત્મા ગાંધીજીની સાથે પોતાની તસવીર સાથેની પાંચ રૂપિયાના મૂલ્યની પોસ્ટ સ્ટેમ્પ મેળવી શકાશે. હવેથી દેશની જનતા ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમા સાથે પોતાની તસવીર ખેંચાવીને પોતાની પોસ્ટલ સ્ટેમ્પ તૈયાર કરી શકશે. ઇન્ડિયા પોસ્ટ (પોસ્ટ વિભાગ) અને ગાંધી આશ્રમ સંચાલક મંડળ સાથે મળીને ૧૫મી ઓગસ્ટથી આશ્રમમાં એક નવું કાઉન્ટર શરૂ કરી રહ્યા છે. જ્યાં મુલાકાતીઓએ આશ્રમમાં લીધેલા તેમના ફોટોગ્રાફ્સની પોસ્ટલ સ્ટેમ્પ બનાવી શકશે. એટલું જ નહીં, આ સ્ટેમ્પને પોસ્ટ પણ કરી શકાશે અને તેના પર આશ્રમની પોસ્ટ ઓફિસ દ્વારા ચરખાનું ચિહ્ન ધરાવતો સિક્કો પણ મારવામાં આવશે.

૧૫મી ઓગસ્ટથી શરૂ થઇ રહેલા આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં ગાંધી આશ્રમના નિયામક પ્રો.ત્રિદીપ સુહૃદે જણાવ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટથી શરૂ થઇ રહેલા કાઉન્ટરથી આશ્રમના મુલાકાતીઓ માટે તેમની મુલાકાત યાદગાર બનાવવાની એક અનોખી સુવિધા ઊભી થશે. અત્યાર સુધી આશ્રમમાં મહાત્મા ગાંધીને સંલગ્ન વિવિધ પોસ્ટકોર્ડ મળતા હતા અને તેને આશ્રમમાં મૂકેલી ટપાલ પેટીમાંથી પોસ્ટ કરવામાં આવે તો તેના પર ચરખાનાં ચિહ્નો સિક્કો (કટિંગ માર્ક) લગાવવામાં આવતો હતો. હવે મુલાકાતીઓ આશ્રમની મુલાકાત સમયે લીધેલા તેમના ફોટોગ્રાફસને પોસ્ટલ સ્ટેમ્પ સ્વરૂપે આશ્રમમાં જ તૈયારી કરાવી શકશે અને તેમની મુલાકાત માટે પોતાની વિશિષ્ટ યાદગીરી બનાવી શકશે. પોસ્ટલ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ‘મેક માય ઓન સ્ટેમ્પ’ પ્રોજેક્ટને અદ્ભુત લોકપ્રિયતા મળશે એવી આશા છે. ત્રણસો રૂપિયાના ચાર્જમાં આ યોજના અંતર્ગત જે તે નાગરિકને તેના ફોટો સાથેની પાંચના મૂલ્યની ૧૨ સ્ટેમ્પ મળશે. આ સ્ટેમ્પ અન્ય કોઇ પણ સ્ટેમ્પની જેમ પોસ્ટ કવર પર તેનાં મૂલ્યની જેમ ચોંટાડી પોસ્ટ કરી શકાશે. ગાંધી આશ્રમમાંથી પોસ્ટ કરવામાં આવનારા પત્રો પર ચરખાનું ચિહ્ન અંકિત કરવામાં આવશે. ગાંધી આશ્રમ ઉપરાંત આ પ્રકારની સુવિધા સોમનાથ, દ્વારકા જેવા સુપ્રસિદ્ધ સ્થળોએ પણ ઉપલબ્ધ કરવાની વિચારણા ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati