Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખેતરોમાં હવે ઊંટનો ઉપયોગ કરવાનું ચલણ શરૃ થયું

ખેતરોમાં હવે ઊંટનો ઉપયોગ કરવાનું ચલણ શરૃ થયું
, સોમવાર, 25 ઑગસ્ટ 2014 (15:09 IST)
કચ્છના પાવરપટ્ટી પંથક તથા અબડાસા તાલુકાના કેટલાક વિસ્તારનાં ખેતરોમાં હવે વિખેડા (આંતરખેડ) માટે રણના વાહન ઊંટનો ઉપયોગ કરવાનું ચલણ શરૃ થયું છે, જેના કારણે ખેડૂતોનો ખર્ચ ઘટવા સાથોસાથ માલધારીઓને પણ રોજગારી મળવા લાગી છે. જો આ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તો ઊંટ ઉછેર વ્યવસાયને વિપુલ તક મળવા ઉપરાંત આંતર વાવેતર માટે ઊંટ દ્વારા થતી ખેડ ખેડૂતો માટે આશીર્વાદરૃપ સાબિત થશે. આમ તો ઊંટની ઓળખ અને ઉપયોગ માત્ર રણના વાહન તરીકે થાય છે. કુદરત દ્વારા તેની રચના જ એવી થઈ છે કે રણ મુસાફરી કરતાં લોકો માટે તે વરદાન છે. ક્યાંક ક્યાંક તેની સાથે ગાડું જોડું પરિવહન માટે અગાઉ પણ ઉપયોગ થતો અને આજે પણ ઉપયોગ થાય છે, પરંતુ ઊંટ દ્વારા ખેતર ખેડી શકાય તે વાત હવે સ્વીકાર્ય બનતી જાય છે. કચ્છના અમુક સ્થળોએ ખેડૂતો દ્વારા વિખેડા માટે ઊંટનો ઉપયોગ શરૃ થયો છે, જેમાં અબડાસા તાલુકા ઉપરાંત પાવરપટ્ટી વિસ્તારમાં ચલણ વધી રહ્યું છે.

નિરોણા ખેડૂત ખીમજીભાઈ આહિરના જણાવ્યા પ્રમાણે અગાઉ વિખેડા માટે ટ્રેક્ટર અથવા બળદ અને વિકલ્પે ખેત મજૂરો પાસે કામ લેવામાં આવતું. છેલ્લા ત્રણ વર્ષથી અમે ઊંટનો ઉપયોગ શરૃ કરતાં ખર્ચ ઘટવા સાથોસાથ પાકને નુકસાન થતું પણ અટક્યું છે. અમારા ગામમાં ૧૦ જેટલા પશુપાલકો છે. તેઓ જ તેમના ઊંટ સાથે આંતરખેડ કરી આપે છે. ટ્રેક્ટર તથા બળદની સાચવણી અને તેમના માટે થતાં ખર્ચના પ્રમાણમાં ઊંટ દ્વારા થતી કામગીરી ઘણી સસ્તી પડે છે, પરિણામે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થાય છે. વિખેડા માટે થતાં ઊંટનો ઉપયોગ માત્ર તેના સુધી જ સીમિત નથી રહેતો. ખેડૂતો ખેડાણ બાદ ચાહે તો આંતર વાવેતર કરી બે પાક પણ લઈ શકે છે. હાલ તો રણના વાહનનો ઉપયોગ ખેતરમાં પા-પા પગલી માંડી રહ્યો છે, ત્યારે જો તેને પ્રોત્સાહન મળે તો ઊંટ ઉછેર વ્યવસાય માટે વિપુલ તક મળે તેમ છે. સાથોસાથ ખેડૂતો માટે પણ આશીર્વાદરૃપ સાબિત થશે.

Share this Story:

Follow Webdunia gujarati