Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસના આગેવાનો સામે બળાપો, પાર્ટીમાં મારા-મારા નહીં, સારા-સારાની જરુર

કોંગ્રેસના આગેવાનો સામે બળાપો, પાર્ટીમાં મારા-મારા નહીં, સારા-સારાની જરુર
, સોમવાર, 30 ડિસેમ્બર 2013 (15:56 IST)
P.R
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાના કારણે કાર્યકરોમાં ફાટફૂટ અને જૂથબંધી વકરતી હોવાનો કેટલાક આગેવાન કાર્યકરોએ બળાપો કાઢ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પક્ષના મોવડીમંડળે વિરોધી પાર્ટીમાંથી પણ કંઈક શીખવું જોઈએ.

આગામી લોકસભાની ચૂંટણીના સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તા. ર૬ ડિસેમ્બરથી ઉમેદવારોની પસંદગી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે જુદા જુદા જિલ્લાના આગેવાનો અને કાર્યકરો પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા હતા. આ પૈકીના કેટલાક આગેવાનો સાથે ચર્ચા કરતાં તેમણે પક્ષની ઉમેદવારની પસંદગી પ્રક્રિયા સામે બળાપો કાઢ્યો હતો. એક આગેવાને જણાવ્યું હતું કે પક્ષની ઉમેદવારની પસંદગી માટેની આ પ્રક્રિયાથી આગેવાનો અને કાર્યકરોમાં ફાટફૂટ પડે છે, એટલું જ નહીં આના કારણે પક્ષમાં જૂથબંધી પણ વકરે છે. આ મામલે અન્ય એક આગેવાને જણાવ્યું હતું કે, પક્ષમાં સારા ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવતા નથી, પરંતુ વગ ધરાવતા કાર્યકરોને ટિકિટ ફાળવી દેવામાં આવે છે, જેના લીધે અંતે તો પક્ષને જ નુકસાન જઈ રહ્યું છે. આથી પક્ષના મોવડીમંડળે ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયામાં ફેરફાર લાવવાની તાતી જરૃરિયાત હોવાનું પણ જણાવ્યું હતું.

આ મામલે એક આગેવાને પક્ષના મોવડીમંડળ સામે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પક્ષમાં સારા ઉમેદવારને પસંદ કરવાના બદલે મારા ઉમેદવારને પસંદ કરવામાં આવે છે, જેના કારણે ગુજરાતમાં પક્ષને ફટકો પડી રહ્યો છે. આ આગેવાને એવી પણ ટિપ્પણી કરી હતી કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી તેની વિરોધી પાર્ટી સામે ચૂંટણીમાં પછડાટ ખાઈ રહી છે. આ સંજોગોમાં પક્ષના મોવડીમંડળે તેની જૂની ઘરેડમાંથી બહાર નીકળવું જોઈએ, એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીએ વિરોધી પાર્ટીમાંથી પણ કંઈક સારી બાબતોને અપનાવવી જોઈએ, જેથી પક્ષમાં જૂથબંધી અને ફાટફૂટ વધુ વકરે નહીં. ગુજરાત કોંગ્રેસનું મોવડીમંડળ આ આગેવાનોની ટિપ્પણીઓ ઉપરથી કંઈક પ્રેરણા લે છે કે પછી એ જ જૂની પ્રણાલિકાને વળગી રહે છે તેવો પ્રશ્ન પણ આ આગેવાનોમાં ચર્ચાયો હતો

Share this Story:

Follow Webdunia gujarati