Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓ..હો..વઢવાણનો એક પરિવાર એકબીજા સાથે માત્ર સંસ્કૃતમાં જ વાતચીત કરે છે

ઓ..હો..વઢવાણનો એક પરિવાર એકબીજા સાથે માત્ર સંસ્કૃતમાં જ વાતચીત કરે છે
, સોમવાર, 21 જુલાઈ 2014 (13:07 IST)
ગુજરાત સહિત દેશમાં અંગ્રેજી ભાષાનો વાયરો ફૂંકાયો છે ત્યારે ઘણા જાગૃત નાગરિકો માતૃભાષા જીવંત રહે અને યુવા પેઢી પશ્ર્ચિમી સંસ્કૃતિના આંધળા અનૂકરણમાં પોતાના સંસ્કાર ન વિસરે તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આ સ્થિતિમાં ગુજરાતમાં એક એવો અનોખો પરિવાર વસે છે જેને દેશની પ્રાચીનતમ અને દેવોની ભાષા ગણાતી સંસ્કૃત ભાષાને જીવનમાં જીવંત રાખી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં એક પરિવારના સભ્યો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી એકબીજા સાથે માત્ર ને માત્ર સંસ્કૃત ભાષામાં જ વાતચીત કરે છે.

સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃતને જનમાનસમાં પુન:સ્થાપિત કરવા માટે ઝાલાવાડના પરિવારે અનોખી પહેલ આદરી છે. સુરેન્દ્રનગર શહેરમાં માનવ મંદિર રોડ પર રહેતા સતિષભાઇ ગજ્જર, તેમના પત્ની ગાયત્રીબહેન, દસ વર્ષની પુત્રી દેવકી અને પાંચ વર્ષનો પુત્ર વિદિત આપસમાં

દિવસભર સંસ્કૃત ભાષામાં જ વાતચીત કરે છે. જેનાથી સ્થાનિકોને અચરજ થાય છે.

સતિષભાઇ ગજ્જરે આ મુદ્દે જણાવ્યું હતું કે, આર.એસ.એસ સંચાલિત સંસ્કૃત ભારતીની શિબિરમાં વર્ષો પૂર્વે ભાગ લીધો હતો. ત્યારથી સંસ્કૃત ભાષામાં રસ, રૂચિ વધતા સંસ્કૃતના પ્રચાર - પ્રસારનો નિર્ધાર ર્ક્યો હતો. દરમિયાન લગ્ન થયા ત્યારે પતિ-પત્નીએ ઘરમાં સંસ્કૃત ભાષામાં જ વાત કરવાનો સંકલ્પ ર્ક્યો હતો. સંતાનોના જન્મ પછી પણ ગજ્જર દંપતીએ સંસ્કૃત ભાષામાં વાતચીતનો તંતુ જાળવી રાખ્યો જેનાથી બાળકો પણ નાનપણથી જ સંસ્કૃત ભાષા બોલતા થયા અને તેઓ વિના ખચકાટે હાલ માતા-પિતા સાથે સંસ્કૃતમાં વાતચીત કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati