Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી ભવનાથ ખાતે મહા શિવરાત્રિના ચાર દિવસીય મેળાનો પ્રારંભ

આજથી ભવનાથ ખાતે મહા શિવરાત્રિના ચાર દિવસીય મેળાનો પ્રારંભ
, સોમવાર, 24 ફેબ્રુઆરી 2014 (16:59 IST)
P.R


વિવિધ પ્રાંતમાંથી અનેક સંપ્રદાયના સાધુ-મહંતો ગિરનાર ખાતે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે. આજે સોમવારે ભવનાથ મહાદેવ મંદિર ખાતે પરંપરાગત ધ્વજારોહણ અને મહાદેવના પૂજન સાથે મહા શિવરાત્રિના ચાર દિવસીય મેળાનો પ્રારંભ થનાર છે ત્યારે ધ્વજારોહણને આડે ગણતરીના કલાકો બાકી છે તેવા સમયે સમગ્ર ગીરી કંદરાઓ સાધુ-મહંતોની ચહલપહલ અને હર હર મહાદેવના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠી છે.

શિવરાત્રિ મેળાની પૂર્વ તૈયારીરૂપે મહંત મોટા પીરબાવા તનસુખગીરી બાપુ મહામંડલેશ્ર્વર, પૂ. ભારતીબાપુ, પૂ. ઇન્દ્રભારતીબાપુ સહિત ગિરનાર મંડળના વરિષ્ઠ સંતો તેમજ જિલ્લા કલેક્ટર આલોકકુમાર એસ.પી.સૌરભ તોલંબીયા, મ્યુ.કમિ. જે.બી.વોરા અને મહાનગરના મેયર લાખાભાઇ પરમાર, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, શહેર ભાજપાના પ્રમુખ સંજય કોરડીયા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ ટાંક સહિતના મહાનુભવોની સાથે બેઠક યોજી હતી. વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભવનાથ મંદિર પરિસરની આસપાસ ધૂણી ધખાવી બેઠેલા સાધુઓ અને રૂદ્રાક્ષની માળા આખા શરીર પર ધારણ કરી ચલમની ચુસ્કી મારવા તૈયારી કરતા સાધુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગિરનારમાં શિવરાત્રિ મેળામાં લાખોનું મહેરામણ ઊમટી પડશે. આ સ્થિતિમાં લોકોને મોબાઇલ ફોનની સુવિધા મળી રહે તે માટે વિવિધ મોબાઇલ સર્વિસ કંપનીઓએ હંગામી ટાવર પણ ખડા કરી દીધા છે. આ ઉપરાંત ઇમરજન્સી કોલ રીજેક્ટ ન થાય તે માટે ફ્રીકવન્સી વધારી દીધી હોવાનું પણ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

મહંત-સાધુઓની ઉપસ્થિતિમાં ભવનાથ તળેટી ખાતે અવિરત અન્નક્ષેત્ર અને દરરોજ રાત્રે સંતવાણી તેમજ રૂપાયતના રોડ સ્થિત રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમ ખાતે શિવરાત્રી મેળાના પ્રારંભથી સતત ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો સંતવાણી શ્રોતાને ડોલાવશે. મેળા દરમિયાન એસ.ટી.વિભાગ દ્વારા ૧૫૦થી વધુ બસો યાત્રિકો માટે દોડાવવામાં આવનાર છે. તેમજ વનખાતા દ્વારા વન્ય સંપદાની જાળવણી અને યાત્રિકોની સુખાકારી માટે ૧૦૦થી વધુ અધિકારી કર્મચારી ખડેપગે ફરજ બજાવશે. સલામતી વ્યવસ્થા સંભાળતા પોલીસ વિભાગ પણ સજ્જ થઇ ગયું છે. મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ૩૦૦થી વધુ પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવશે, એમ રેન્જ આઇજી રાધાકૃષ્ણન અને એસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું. સુરક્ષા બંદોબસ્ત માટે વ્યૂહાત્મક આયોજન કરી પગલાં ભરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati