Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનોખી વિશેષતા ધરાવતાં ખરાઇ ઊંટ

અનોખી વિશેષતા ધરાવતાં ખરાઇ ઊંટ
, ગુરુવાર, 26 જૂન 2014 (16:44 IST)
દરિયામાં ત્રણ કિમી સુધી તરી પણ શકે, ત્રણ હજાર ટીડીએસ ધરાવતા ખારા પાણીને પી ને પણ જીવી શકે

કચ્છમાં કચ્છી ઊંટ ઉપરાંત ખરાઇ ઊંટ પણ અસ્તિત્વમાં છે. ખરાઇ ઊંટની વિશેષતા એ છે કે, આ ઊંટ રણમાં દોડી-ચાલી શકે પણ દરિયામાં ત્રણ કિમી સુધી તરી પણ શકે છે. એટલું જ નહિ, ખરાઇ ઊંટ ત્રણ હજાર ટીડીએસ ધરાવતા ખારા પાણીને પી ને પણ જીવી શકે છે. અનોખી વિશેષતા ધરાવતાં ખરાઇ ઊંટને રાષ્ટ્રીય કક્ષાએ માન્યતા મળે તે માટે રાજ્ય પશુપાલન વિભાગે સઘન પ્રયાસો હાથ ધર્યાં છે. પશુપાલન વિભાગના અધિકારીઓના મતે, આગામી ટૂંક જ સમયમાં ખરાઇ ઊંટને માન્યતા મળી જશે. જો માન્યતા મળશે તો ખરાઇ ઊંટ પ્રજાતિ દેશની પાંચમી ઊંટની પ્રજાતિ હશે.

ઉંટને રણનુ વાહન ગણાય છે. હાલમાં દેશમાં જેસલમેરી, બિકાનેરી, કચ્છી અને મારવાડી એમ ચાર પ્રજાતિના ઊંટને માન્યતા મળી છે. હવે ખરાઇ ઊંટની માન્યતા માટે રાજ્ય પશુપાલન વિભાગે કમર કસી છે. પશુપાલન વિભાગે ખરાઇ ઊંટની પ્રજાતિનો અલગથી પ્રોફાઇલ તૈયાર કર્યો છે જેમાં ઊંટના ચરિયાણ, ઉછેર, સવર્ધન અને માલધારીઓની વ્યવસ્થા સહિતની તમામ બાબતો આવરીને દસ્તાવેજીકરણ કરાયું છે. ખરાઇ ઊંટને લઇને એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ તૈયાર કરાઇ છે.હાલમાં ગુજરાતમાં ખરાઇ ઊંટની સંખ્યા અઢી હજાર જેટલી છે જયારે કચ્છી ઊંટની સંખ્યા નવેક હજાર છે.
પશુપાલન નિયામક એ.જે.કાછિયા પટેલે જણાવ્યું કે, ૨૪મી જૂને ખરાઇ ઊંટને લઇ દસ્તાવેજો કેન્દ્રના એનિમલ હસ્બન્ડરી વિભાગને મોકલી આપ્યો છે. ખરાઇ ઉંટ ડયુઅલ ઇકો સિસ્ટમમાં જીવી શકે તેવુ પ્રાણી છે. આ ઊંટ સમુદ્રમાં ત્રણ કિ.મી સુધી તરીને ટાપુ પર જઇને ચરે છે. તેની રોગપ્રતિકારક શક્તિ ઘણી છે.ખરાઇ ઊંટ ત્રણ હજાર ટીડીએસ ધરાવતાં ખારા પાણીને પીને પણ જીવી શકે છે. અનોખી વિશેષતા ધરાવતાં આ ઊંટને આગામી દિવસોમાં રાષ્ટ્રિય માન્યતા મળી જશે. ઉલ્લેખનીય છેકે, પશુપાલન વિભાગે ખરાઇ ઉંટને લઇને એટલું વિસ્તૃત જાણકારી સાથેના ડોક્યુમેન્ટ મોકલ્યા છે.

કચ્છમાં રાજ્યનું એક માત્ર ઉંટ સંવર્ધન કેન્દ્ર ધોરી ગામમાં છે. આ કેન્દ્ર શરુ કરવાનો એક માત્ર ઉદેશ એ હતો કે, કચ્છી ઉંટની ઓલાદની જાળવણી થાય. આ કેન્દ્રમાં આજે કુલ ૩૦૦થી વધુ કચ્છી ઓલાદના ઉંટ છે. ગુજરાત પોલીસ અને બીએસએફ કચ્છી ઉંટ સૌથી વધુ ખરીદે છે. કચ્છી ઉંટની કિંમત આજે રૃ.૨૦-૩૫ હજાર સુધી બજારમાં બોલાય છે.

રાજ્ય પશુપાલન વિભાગે હવે ઉંટડીના દુધનું વેચાણ કરવાની યોજના હાથ ધરી છે. પ્રથમ તબક્કામાં કચ્છમાં ઉંટડીના દુધનુ વેચાણ કરાશે તે માટે અમુલ સાથે પશુપાલન વિભાગના અધિકારીઓએ બેઠક યોજી ચર્ચા વિચારણા કરી છે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે રૃ.૮૦ લાખ મંજૂર કર્યાં છે. નોંધનીય છેકે, લોહીના કેન્સરમાં ઉંટડીનું દુધ અકસીર ઇલાજ સાબિત થયું છે. કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયુટે પણ આ વાતને પ્રમાણિત કરી છે. આગામી દિવસોમાં ઉંટની વધુ પ્રોડકટ પણ બજારમાં મુકવા પશુપાલન વિભાગની વિચારણા છે.


Share this Story:

Follow Webdunia gujarati