આખરી શ્વાસે તકાજો થાય છે,
પાપપુણ્યોના હિસાબો થાય છે.
જેટલા આપું જવાબો જાતને,
એટલાં સામે સવાલો થાય છે.
ના થઈ શકયા જે ખુલ્લી આંખથી,
બંધ આંખોથી પ્રવાસો થાય છે.
શું છે ? આ જીવનમરણ, એ જાણવા,
રોજ સ્વપ્ને રાતવાસો થાય છે.
જીવ માફક સાચવું એને છતાં,
જીવ ! મરણ આવ્યે પરાયો થાય છે.
સૌ વિચારો જેમનાં પણ હો બુલંદ,
એમની વાતે રિવાજો થાય છે.