Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુભેચ્છા ઉત્તરપ્રદેશ

શુભેચ્છા ઉત્તરપ્રદેશ

જયદીપ કર્ણિક

, રવિવાર, 3 જૂન 2007 (09:04 IST)
શુભેચ્છા ઉત્તરપ્રદેશ....!!!

માયાવતીનાં હાથીની આ મદમસ્ત ચાલ જોઈને ઘણા લોકો હેરાન છે. જો કે, બધા નથી પરંતુ જાણકારો તો એ વાત જાણે જ છે કે, ઉત્તરપ્રદેશનો ઊંટ હાથીના પડખે બેસશે. આ પડખું એટલું બધુ ભારે હશે કે, સાઈકલ, પંજો અને કમળ એ ત્રણેય ખેરખાઓને કચડી નાખશે. સાચે જ આવું તો કોઈએ સ્વપ્નેય વિચાર્યું નહી હોય.


દેશની રાજનીતિમાં ઉત્તરપ્રદેશનું સ્થાન પહેલેથી જ મહત્વપૂર્ણ રહ્યુ છે. જ્યાં સુધી અન્ય રાજ્યોનો ક્ષેત્રવાદ ભારે પડ્યો ન હતો ત્યાં સુધી તો ઉત્તરપ્રદેશ દિલ્હીની પ્રગતિનો ગઢ માનવામાં આવતો હતો. જો કે બીજા રાજ્યો અને ક્ષેત્રીય દળો પણ સમીકરણ બનાવવા અને બગાડવા લાગ્યા છે પણ ઉત્તરપ્રદેશનું મહત્વ કદી પણ ઓછું અંકાયું નથી. દિલ્હી માટે સીટોની સૌથી વધારે ઉપજ અહીં જ થાય છે.

પછાત વર્ગના લોકોનું સમર્થન લઈ જંગ પર નિકળેલી આ પાર્ટીને એ સમજતા વાર ન લાગી કે બ્રાહ્મણ વિરોધ સત્તા સુધી તો પહોંચાડી શકે છે પણ બહુમત નથી અપાવી શકતો. એટલે બહુમત મેળવવા માયાવતીએ આ વખતે સવર્ણોને ટીકિટ આપી અને મુસલમાનોને પણ સાથે કર્યા.

રાહુલ ગાંધીને આ મધર્સ ડે પર કદાચ મા ના લાડની વધારે જરૂર પડશે. આ આખી ધમાલને ઊંડેથી સમજવા તેમણે મેહનત તો ઘણી કરી પણ ભારતના સાચા રૂપને સમજવા ઉત્તર પ્રદેશના ગલી ખાંચામાં એટલા નથી ફર્યા કે તેમના ચોકલેટી મુખ પર પરિપક્વતા અને દૂરંદેશીના ભાવ આવી જાય. તડકામાં વાળ સફેદ કરવા કરતા અનુભવમાં તપવું મહત્વપૂર્ણ હોય છે. પણ આ વખતની સલાહ અને પારિવારિક વારસામાં મળેલી નૈસર્ગિક જીદને જો તેઓ સાચી દિશામાં લઈ ગયા તો તેમના માટે લખનૌવાળી દિલ્હી બહુ દૂર નથી. હા થોડી મદદ અને સલાહ તેમણે પોતાની બહેન પ્રિયંકા પાસેથી પણ લેવી જોઈએ.

તો હવે ઉત્તર પ્રદેશ પર માયાવતીની માયા રાજ કરશે. આ તે જ માયાવતી છે જે તાજ મહેલ કોરીડોર કૌભાંડ માટે જાણીતી છે. આ તે જ માયાવતી છે જે પોતાના આદર્શ અને પથદર્શકથી પણ આગળ વધી ગઈ. આ તે જ માયાવતી છે જેણે એક કરોડના ખર્ચે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. જે લોકોએ માયાવતીના રાજમાં અપમાનનાં ઘૂંટડા પીધા હતા તે આજે ફરી થરથરાવા લાગ્યા હશે.

શું ઉત્તરપ્રદેશમાં બસપાની આ જીતને એક મોટી સમાજીક ક્રાંતિ માનવામાં આવશે? શું સાચે જ આ સ્વર્ણયુગની શરૂઆત છે ? જ્યાં નાત જાતના ભેદભાવને ભુલાવી સમગ્ર સામાજીક વિકાસનો પાયો નાંખવામાં આવશે? શું આ તે અસ્ત્ર છે જે વર્ષોથી જાતીવાદમાં સપડાયેલા ગરીબો અને પીડિતોના બંધન મુક્ત કરી શકશે ? શું આ એતિહાસિક બહુમત ઉત્તર પ્રદેશના વિકાસની નવી શરૂઆત કરી શકશે? કે માત્ર આંબેડકર અને કાશીરામની મૂર્તિ બનાવવામાં જ પૈસા ખર્ચ કરી નાંખશે?

શું ઉત્તરપ્રદેશના ઉદ્યોગોનો એ રીતે વિકાસ થશે કે ત્યાંની પ્રતિભાઓને ત્યાં જ સારા અવસર મળી જશે અને તેઓને બહાર જઈ અપમાનિત થવું ન પડે. કોઈ એ કહી શકશે નહી કે ઉત્તરપ્રદેશના લોકોથી રાજ્ય કંટાળી ગયું છે.... કે માયાવતી માત્ર મુલાયમ સરકારના ગોટાળાઓને ઉજાગર કરવા અને મૂળ સમસ્યાઓથી જનતાનું ધ્યાન ભટકાવવામાં લાગી જશે?

પ્રશ્નો તો ઘણા બધા છે પણ આશા છે કે, ભારતના સૌથી મોટા રાજ્યમાં લોકતંત્રની લાંબી કવાયત પછી બહુજન સમાજનો આ ‘લોકતિલક’ માત્ર એક સ્ત્રીની મહત્વકાંક્ષાની જીત સાબિત નહી થઈને સાચે જ પછાત અને ગરીબ વર્ગોના લોકો પ્રગતિની રાહ પર ઉત્સાહના ડગલા ભરી શકશે....અને ઉત્તરપ્રદેશ માત્ર અમિતાભની જાહેરાતોમાં નહી પરંતુ સાચે જ પોતાનું મંદ હાસ્ય ફરકાવશે.

શુભેચ્છા ઉત્તરપ્રદેશ....!!!!

ભાવાનુવાદ : શૈફાલી શર્મા

Share this Story:

Follow Webdunia gujarati