Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય રેલવેને ઈ-ટિકિટ કેન્સલેશનમાં કરોડોની કમાણી

ભારતીય રેલવેને ઈ-ટિકિટ કેન્સલેશનમાં કરોડોની કમાણી
, શુક્રવાર, 25 મે 2012 (12:50 IST)
P.R
મોટાભાગના ભારતીયો ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા મહિનાઓ નહીં તો અઠવાડિયાઓ પહેલા તો પોતાની ટિકિટ ચોક્કસ બુક કરાવી લેતા હોય છે. પરંતુ, અગાઉથી નક્કી કરેલો પ્રવાસ કોઈ કારણસર રદ્દ પણ થઈ શકે છે અને ભારતીય રેલવેની વાત કરીએ તો તેની ઈન્ટરનેટ પર વેચાયેલી ટિકિટોમાંથી મોટાભાગની કેન્સલ થાય છે. નવાઈની વાત એ છે કે ટિકિટના કેન્સલેશનને કારણે ભારતીય રેલવેને કરોડો રૂપિયાની આવક પણ થઈ રહી છે.

2005થી 2011 વચ્ચે ભારતીય રેલવેએ માત્ર ઈ ટિકિટના કેન્સલેશન દ્વારા 750 કરોડ રૂપિયાની આવક મેળવી હતી (રેલવેનો વાર્ષિક નફો પણ આટલો જ રહે છે). (ભારતીય રેલવેએ 2005થી લઈને એપ્રિલ 2012 સુધી ઈ ટિકિટ દ્વારા 30094 કરોડ રૂપિયાની આવક મેળવી હતી.) આ આંકડાં આરટીઆઈ એક્ટિવિસ્ટ મનોરંજન રોયે એક આરટીઆઈ કરીને મેળવ્યા હતા. હવે તેમનું કહેવું છે કે ભારતીય રેલવેએ કેન્સલેશન ચાર્જ હટાવી દેવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ભારતીય રેલવે પાસે આવકના સ્રોત વધ્યા છે ત્યારે આમઆદમી પર પડતો કેન્સલેશન ચાર્જરૂપી ભાર રેલવેએ હટાવી દેવો જોઈએ.

2011માં પણ માર્ચ અને ડિસેમ્બર વચ્ચે રેલવેએ ઈ ટિકિટના કેન્સલેશન ચાર્જ દ્વારા 198 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. રેલવેએ 2005માં જ્યારે ઈ-ટિકિટ સર્વિસ શરૂ કરી ત્યારથી અત્યારસુધી રેલવેની 40 ટકા જેટલી ટિકિટોનું વેચાણ ઈન્ટરનેટ દ્વારા થાય છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈ ટિકિટ બૂક કરવી ખુબ જ સરળ હોવાથી મુસાફરો એડવાન્સ બુકિંગ મોટાપાયે કરાવે છે જેમાં મોટાભાગના કિસ્સાઓમાં ટિકિટ કેન્સલ થતી હોય છે. દર ત્રણમાંથી એક ઈ ટિકિટ કેન્સલ થાય છે તેમપણ રેલવેના સુત્રોએ જણાવ્યું હતું.

રેલવેના એસી ફર્સ્ટ ક્લાસની કન્ફર્મ ટિકિટ જો ટ્રેન છૂટવાના 24 કલાક પહેલા કેન્સલ કરાવાય તો 70 રૂપિયા પેનલ્ટી લાગે છે. આ જ ચાર્જ એસી ટૂ ટાયર માટે 60 રૂપિયા, એસી થ્રી ટાયર તેમજ એસી ચેર કાર માટે 40 રૂપિયા જ્યારે સ્લિપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ માટે 20 રૂપિયા છે. વળી, ઈન્ટરનેટ પર ખરીદાયેલી વેઈટિંગ ટિકિટ જો કન્ફર્મ ન થાય તો પણ રેલવે રિઝર્વેશન ચાર્જ રૂ. 20 પાછા આપતી નથી.

મહત્વપૂર્ણ રૂટ પર દોડતી કેટલીક ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ 700 થી 800 સુધી પહોંચી જતું હોય છે અને વેઈટિંગમાં રહેલી 95 ટકા સુધીની ટિકિટો કન્ફર્મ નથી થતી આવા સંજોગોમાં ટિકિટ કન્ફર્મ ન થઈ હોવા છતાં મુસાફરને 20 રૂપિયા ગુમાવવા પડે છે.

વર્ષ ટિકિટનું વેચાણ (લાખમાં) આવક (કરોડમાં) કેન્સલેશનની આવક (કરોડમાં)
2005-06 25 317 2.85
2006-07 68 678 5.79
2007-08 189 1700 15.61
2008-09 440 3883 99.42
2009-10 719 6011 190.63
2010-11 969 8007 235.37
2011-12 1161 9498 198.8

Share this Story:

Follow Webdunia gujarati