બાબા રામદેવ પર યુવકે ફેંકી શાહી
નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન કાળા ધન મામલે બાબા રામદેવ પોતાના પ્રચાર અભિયાનની જાહેરાત કરી રહ્યા હતા, તે પ્રેસ કોન્ફરન્સના આખરમાં એક શખ્સે યોગગુરુ પર હુમલો કરીને કાળી સ્યાહી ફેંકી હતી.નવી દિલ્હી ખાતે કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં યોગગુરુ બાબા રામદેવ જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામી સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. રામદેવની ડાબી આંખ સ્યાહીના કારણે કાળી થઈ હતી. બાબા રામદેવ પર કાળી સ્યાહી ફેંકનાર વ્યક્તિની ઓળખ કામરાન સિદ્દીકી તરીકે થઈ છે. આ વ્યક્તિ નવી દિલ્હીનો રહેવાસી છે અને તે રીયલ કોઝ નામની એનજીઓ ચલાવી રહ્યો છે. બટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં રીયલ કોઝ એક અરજદાર પણ છે.બાબા રામદેવના ટેકેદારોએ હુમલાખોર શખ્સને ખૂબ માર માર્યો છે. આ શખ્સનું ખમીસ ફાડી નાખવામાં આવ્યું અને તેના હોઠમાંથી લોહી વહેતું હતું. ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી છે.પોલીસ બાબા રામદેવને એસ્કોર્ટ કરીને કોન્સ્ટીટયુશન ક્લબની બહાર લઈ ગઈ હતી. તે સમયે લોકોની ભારે ભીડ હતી.રામદેવના નજીકના સાથીદાર જયદીપે દાવો કર્યો છે કે સિદ્દીકીએ સુરક્ષાકર્મી તરીકે હાથમાં વોકી-ટોકી સાથે પ્રવેશ કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે સિદ્દીકી પાસેથી એસિડની બોટલ પણ ઝડપાઈ છે.આ ઘટના બાદ ઝડપથી પ્રેસ કોન્ફરન્સ આટોપાઈ લેવાઈ હતી. રામદેવે બાદમાં કહ્યુ કે તેઓ આવા હુમલાથી રોકાવાના નતી અને તેઓ પોતાના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં પુરી શક્તિ સાથે ઉતરશે.તેમણે કહ્યુ કે તેમણે બ્લેક મનીની વાત કરી, તેમણે ભ્રષ્ટાચારના નિર્મૂલનની વાત કરી અને તેમને વળતર તરીકે આ ઈનામ મળ્યું.તેમણે ઉમેર્યુ કે કોઈના દ્વારા કોઈના પર સ્યાહી ફેંકીને તેના ચરિત્રને મેલું કરી શકાતું નથી.રામદેવે કહ્યુ કે તેમનું જીવન ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સમર્પિત છે અને તેમને કાળા વાવટા અને સ્યાહી રોકી શકશે નહીં.આ ઘટના પહેલા સિદ્દીકીએ બાબા રામદેવના 2008 બટલા હાઉસ એન્કાઉન્ટરના અભિપ્રાયનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હી સિરિયલ બ્લાસ્ટના શકમંદો બટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે.યોગગુરુ બાબા રામદેવે સિદ્દીકીના પ્રશ્ન દ્વારા ઉઠાવાયેલા વાંધાને નજરઅંદાજ કર્યો અને ત્યાર બાદ આ ઘટના થવા પામી હતી.ભાજપે બાબા રામદેવ પર કરવામાં આવેલા કાળી સ્યાહી ફેંકવાના બનાવની તપાસની માગણી કરી છે. જ્યારે કોંગ્રેસે આ ઘટનાને વખોડી નાખી છે.