Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશના મુસ્લિમો ખરાબ સ્થિતિમાં છે - અલ્વી

દેશના મુસ્લિમો ખરાબ સ્થિતિમાં છે - અલ્વી
, શુક્રવાર, 23 ડિસેમ્બર 2011 (13:49 IST)
P.R
કોંગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વી માને છે કે દેશના મુસ્લિમો ખરાબ સ્થિતિમાં છે, પરંતુ તેઓ તેના માટે કોઈના પર દોષનો ટોપલો ઢોળવાથી બચે છે. તેઓ કહે છે કે તેના માટે કોઈની તરફ જવાબદેહીની આંગળી ચિંધી દેવી સમસ્યાનું સમાધાન નથી. તેમનું માનવું છે કે આઝાદી બાદ મુસ્લિમોના વિકાસ માટે જો કોઈ રાજકીય પક્ષે કર્યું તો તે કોંગ્રેસ જ છે. આમ તો તેઓ આને પણ અપુરતું સમજે છે અને કહે છે કે હજી પણ ઘણું બધું કરવાની જરૂર છે.

અલ્વીએ મુલાકાતમાં જણાવ્યુ છે કે દેશના મુસ્લિમોની પરિસ્થિતિ સારી નથી. આઝાદી બાદ મુસ્લિમો માટે જો કોઈએ કંઈ કર્યુ છે તો તે કોંગ્રેસ પાર્ટી જ છે, જો કે હજી પણ ઘણું બધું કરવાની જરૂરત છે. જે કરવામાં આવ્યું છે તે પુરતું નથી. ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર તેમને ઉપર ઉઠાવવા માટે ઘણું બધું કરશે.

એમ પુછવામાં આવતા કે આખરે મુસ્લિમોની આ બદહાલી માટે કોણ જવાબદાર છે? તેમણે જવાબ આપ્યો કે જવાબદારીની આંગળી ચિંધી દેવાથી સમસ્યાનું સમાધાન થશે નહીં. સરકારની સાથે દેશના મુસ્લિમોએ પણ કોશિશ કરવી પડશે કે પરિસ્થિતિ સુધરે. મુસ્લિમોને સરકારી મદદની જરૂરત છે, પરંતુ સાથેસાથે તેમણે ઉપર ઉઠવા માટે ખુદ પણ કોશિશ અને મહેનત કરવી પડશે.

મુસ્લિમો માટે અનામતને લઈને ચાલી રહેલી ચર્ચા સંદર્ભે અલ્વીએ કહ્યુ કે આ તો ઘણું પહેલા જ થઈ જવું જોઈતું હતું. દેશમાં મુસ્લિમોની પરિસ્થિતિ સારી નથી. હાલ અન્ય પછાત વર્ગ (ઓબીસી) કોટાના 27 ટકાની અંદર જ મુસ્લિમો માટે અનામતની વ્યવસ્થા કરી શકાય છે.

મુસ્લિમ મતદારોને આગાહ કરતાં તેમણે કહ્યુ કે દેશના મતદારો જ્યારે મત નાખવા જાય છે, ત્યારે તે બિરાદરી, ધર્મ, સગાં-સંબંધીઓને આગળ રાખે છે. આ માનસિકતાને બદલવાની જરૂરત છે, ખાસકરીને મુસ્લિમોમાં એવું કરવાની જરૂરત છે. જો લોકો આ બધાંથી ઉપર ઉઠીને મતદાન કરશે તો તેમના વિસ્તારનો વિકાસ તો થશે જ, સારી વિધાનસભા અને સંસદ પણ ગઠિત થશે અને પછી તેનાથી સારી સરકારો પણ સામે આવશે.

ઉત્તર પ્રદેશમાં સત્તાને લઈને ચાલી રહેલા ચૂંટણી જંગ સંદર્ભે અલ્વી કહે છે કે કોંગ્રેસ સત્તાની રાજનીતિ કરતી નથી, માટે તેમને પુરો ભરોસો છે કે ગત 20-22 વર્ષોની અંદર જાતિની રાજનીતિ કરનારી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તથા કોમવાદી રાજનીતિ કરનાર ભાજપને રાજ્યની જનતા સમજી ચુકી છે અને આ વખતે તે સમજદારીનો પરિચય આપીને વિકાસની રાજનીતિ કરનારી કોંગ્રેસ પર પોતાની મ્હોર લગાવશે.

તેઓ કહે છે કે રાહુલ ગાંધી મોટી શક્તિ સાથે ઉત્તર પ્રદેશમાં પ્રચાર કાર્યમાં લાગેલા છે. હવે તેમની ઉત્તરાખંડની મુલાકાતનો દોર શરૂ થવાનો છે. તેમના પ્રયત્નોથી કોંગ્રેસને સતત ફાયદો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં તેમના તરફથી કરવામાં આવી રહેલા પ્રયત્નોથી તેમને મોટા પરિવર્તનની આશા છે. તેમના કારણથી સંસદીય ચૂંટણીમાં કોંગ્રેસ મોટી શક્તિ બનીને ઉભર્યુ છે.
અલ્વી કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીને રાષ્ટ્રીય નેતા ગણાવે છે. તેઓ કહે છે કે ચૂંટણી લોકશાહીનો ભાગ છે. એ કહેવું ખોટું છે કે તે કોઈનું ભવિષ્ય અથવા તેમની ભાવિ રાજનીતિ પ્રભાવિત કરે છે. તેમણે પૂર્ણ આશા વ્યક્ત કરી છે કે પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન શાનદાર રહેશે. આ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનશે. રાહુલ ગાંધી માત્ર આ પાંચ રાજ્યોના નેતા નહીં, પણ તેઓ આખા દેશના નેતા છે.

અલ્વી ગાંધીવાદી અણ્ણા હજારેને સંઘનું મ્હોરું માને છે. તેમનું કહેવું છે કે ભાજપ અને તેમના નેતાઓની આ દેશમાં હવે કોઈ વિશ્વસનીયતા રહી નથી. તેમની વાત કોઈ સાંભળવા માટે તૈયાર નથી. તેના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને એક મ્હોરાની જરૂર હતી. અણ્ણા હજારેના રૂપમાં તેમને મ્હોરું મળી ગયું છે. અણ્ણા હજારેને આગળ કરીને તે પોતાના રાજકીય હિતો સાધી રહ્યા છે.

રીટેલ ક્ષેત્રમાં એફડીઆઈનો નિર્ણય પાછો ખેંચાવાથી અલ્વી નિરાશ છે. તેઓ આ નિર્ણયને દેશ હિતમાં ગણાવી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે મુદ્દો કોઈપણ હોય, વિપક્ષ હંમેશા વિરોધ કરે છે. પરંતુ એફડીઆઈ દેશની જરૂરત છે અને તમામ વચ્ચે સંમતિ બનાવીને આ મુદ્દા પર સરકાર આગળ વધશે.

Share this Story:

Follow Webdunia gujarati