નવી દિલ્હી : સલમાન ખુર્શીદના હાલના નિવેદન પર કાર્યવાહી કરવાની અપેક્ષા સાથે મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય.કુરેશીએ વડાપ્રધાન મનમોહનસિંહને ફરિયાદ કરી છે. કુરેશીએ વડાપ્રધાનને પત્ર લખીને જણાવ્યું છે કે ખુર્શીદે પોતાના સાર્વજનિક નિવેદનમાં ચૂંટણી પંચ જેવી સંવૈધાનિક સંસ્થા સામે નિવેદન કર્યાં છે. આ નિવેદનથી ચૂંટણી પંચની ગરિમા ઓછી આંકવાનો પ્રયાસ થયો છે જેથી કુરેશી માને છે કે ખુર્શીદે આવાં નિવેદન આપવાથી બચવું જોઇએ. તો ખુર્શીદ પણ પોતાનાં નિવેદન પર કાયમ છે.
વડાપ્રધાનને લખેલા પત્રમાં શું લખ્યું છે તે જણાવવાનો કુરેશીએ ઇન્કાર કર્યો છે પણ સુત્રોનું માનીએ તો ચૂંટણી પંચે ખુર્શીદનાં સંવૈધાનિક સંસ્થા સામે સાર્વજનિક બયાનબાજીનો મુદ્દો ઉઠાવ્યો છે. કુરેશીએ આ પહેલાં પણ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો જેમાં કાયદા પ્રધાનનાં એ નિવેદન સામે વાંધો ઉઠાવાયો હતો જેમાં સલમાન ખુર્શીદે એવું નિવેદન આપ્યું હતું કે તમામ સંસ્થાઓએ નિયંત્રણમાં હોવું જોઇએ અને ચૂંટણી પંચ પર કોઇ નિયંત્રણ નથી. પણ હકિકત એ છે કે પંચ એક અલગ અને સ્વતંત્ર સંસ્થા છે અને તેની પોતાની સંવૈધાનિક હેસિયત છે.
આ અગાઉ ચૂંટણી પંચે ખુર્શીદને અલ્પસંખ્યકોને 9 ટકા અનામત આપવાનાં મામલે નોટિસ આપી હતી. જોકે ખુર્શીદે પોતે કોઇ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાની વાત નકારીને નોટિસનો જવાબ આપ્યો છે. પણ ચૂંટણી પંચ અને ખુર્શીદ વચ્ચે હવે બયાનબાજીનો દોર શરુ થઇ ગયો છે.