Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોવા પોકર રમવા જતા ગુજરાતીઓ આનંદો, હવે અમદાવાદમાં પોકરનો પ્રારંભ

ગોવા પોકર રમવા જતા ગુજરાતીઓ આનંદો, હવે અમદાવાદમાં પોકરનો પ્રારંભ
, ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (13:51 IST)
પોકર રમવા માટે ફ્લાઇટમાં ગોવા, મકાઉ, નેપાળ જતા અમદાવાદના યંગસ્ટર્સ માટે એક સારા સમાચાર છે. શહેરના એસજી હાઇવે પર આવેલી વાયએમસીએ ક્લબમાં પોકર રમવા માટેનો વિકલ્પ હવે ઉપલબ્ધ બન્યો છે. ઈન્ડિયન પોકર એસોસિયેશને કરેલી રિટના ચુકાદામાં કર્ણાટક હાઇકોર્ટે પોકર જુગાર નહીં પરંતુ બૌદ્ધિક કળાની રમત છે એવું રૂલિંગ આપ્યું તેનો આધાર લઇને ઇન્ડિયન પોકર એસો. (આઇપીએ)ના સહયોગમાં આ કલબમાં જગ્યા ભાડે લઇને પાંચમી ઓક્ટોબરથી પોકરની રમત શરૂ કરવામાં આવી છે. વાયએમસીએ ક્લબના ફર્સ્ટ ફ્લોર પર બ્લેક કલરનું ડોર ધરાવતા લકઝયુરિયસ ડાર્ક રૂમમાં રાત્રિના આઠથી સવારના છ વાગ્યા સુધી પોકર રમી શકાય છે, જે માટે ૫,૦૦૦થી ૫૦,૦૦૦ની લિમિટ ધરાવતી ચિપ્સ મેળવી શકાય છે. ડાર્ક રૂમમાં પોકરના કુલ ૭ ટેબલ છે અને ચિપ્સ મેળવવા માટે એક કેશ કાઉન્ટર છે. પ્રત્યેક ટેબલ પર ચિપ્સની લિમિટ મુજબ પોકર રમાડાય છે. આ ગેમ રમનાર પાસેથી ૫ ટકા કમિશન વસુલવામાં આવે છે અને ગેમ રમાડવા માટે તરંગ, પ્રણવ કાબરા અને સંગદિલ ડાંગ નામના ત્રણ પોકર ચેમ્પિયન હાજર રહે છે. આમ ક્લબ ગેમના શોખીનો માટે સ્નુકર ઉપરાંત પોકરનો વિકલ્પ પણ મળ્યો છે. અમદાવાદ અને ગુજરાતની અન્ય ક્લબો પણ હવે આ ગેમ શરૂ કરવા પ્રેરાય એવી શક્યતા છે, કારણ કે સમગ્ર વર્ષમાં અને ખાસ કરીને જન્માષ્ટમીના સમયે આ ગેમ રમવાનો જબરજસ્ત ક્રેઝ હોય છે. બેંગલોરમાં ૧૫ અને કોલકાતામાં ૧૨ પોકર ક્લબ પછી હવે અમદાવાદમાં પોકરનો પ્રારંભ થતાં અમદાવાદની નાઇટલાઇફમાં ખાણીપીણી અને સિનેમા સિવાય કહીં નથી એ હવે ભૂતકાળની વાત બની ગઇ છે. સુપ્રીમના ચુકાદાના આધારે ૨૦૧૪ પછી દેશમાં મોટા મેટ્રોસિટીમાં હાલ ૨૦થી ૨૫ પોકર ક્લબ છે અને હવે આ શહેરોની યાદીમાં અમદાવાદ પણ ઉમેરાયું છે. પોકર ગેમ શરૂ કરવા ગૃહવિભાગની મંજૂરી લેવી જરૂરી છે, જે મેળવાઈ છે, એમ સૂત્રો જણાવે છે. વાયએમસીએમાં પોકર રમવા માટે ડ્રેસકોડ રાખવામાં આવ્યો છે અને ૧૮ વર્ષથી ઓછી વયના યુવકો પોકર રમી શકે નહીં એવી કાયદાકીય જોગવાઇ હોવાથી આઇકાર્ડ સાથે હોય તેને જ ડાર્કરૂમમાં પ્રવેશ આપવામાં આવે છે. જોકે ૮ દિવસથી અમદાવાદમાં શરૂ થયેલી આ પોકર ગેમનો લાભ કેટલાક ઓછી વયના યુવકો પણ મોજથી લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આશરે ૨૦૦ દેશોમાં ૧૫ કરોડ લોકો પોકર ગેમ રમે છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પોકરને એક વિષય તરીકે ભણાવાય છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કમાણી કરવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં બલૂન ઉડાડશે