કલોલમાં બોરીસણા રોડ પરના બલરામ પાર્કના 35 મકાનના 160થી વધુ પરિવારજનો એક અજીબ ઘટનાક્રમના પગલે દહેશતમાં મુકાયા છે. અહીં મકાનના ટાઇલ્સ વચ્ચેના સાંધા, તિરાડો અને બાથરૂમની ગટરમાંથી ગેસ નીકળી રહ્યો છે અને ત્યાં દિવાસળી ચાંપતા જ આગ લપકારા લેવા માંડે છે. પરિણામે સોસાયટીના રહેવાસીઓમાં મોટી હોનારતની દહેશત વર્તાય છે અને આરોગ્યને માઠી અસરો વર્તાઇ રહી છે. બલરામ પાર્કની મુલાકાત દરમિયાન સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા 2 થી 3 માસથી મકાનના ભોય તળિયાની તિરાડોમાંથી જ્વલનશિલ વાયુ નિકળી રહ્યો છે અને બાથરૂમની ગટરમાંથી પણ આ પ્રકારનો વાયુ સતત બહાર આવી રહ્યો છે. શરૂઆતમાં કોઇ વિચિત્ર પ્રકારની રાધણ ગેસ જેવી દુર્ગંધ સતત ફેલાતાં દરેક પરિવારે તેમના રાંધણ ગેસના ચુલા અને પાઇપો ચેક કરાવી હતી. પરંતુ તેમાંથી ગેસ લિક થતો ન હતો. ત્યાર બાદ પણ સતત વાસના કારણે લોકોમાં કંઇક અજુગતુ હોવાની દહેશત ફેલાઇ હતી. આ પ્રકારના ઘટના બાદ સોસાયટીના રહીશો મકાનની અંદર બારી-બારણા બંધ કરીને રાત્રે સુઇ જવાની તૈયારી કરે ત્યારથી એક પ્રકારનો ભય સતાવી રહ્યો છે અચાનક આગ લાગવાની ચિંતા અનુભવતા અનેક લોકો રાત્રે પુરતી ઉંઘ લઇ શકતા નથી આ અંગે ઓ.એન.જી.સી. અને સાબમતી ગેસ કંપનીમાં જાણ કરવામાં આવી હતી પરંતુ તેમણે આ બાબતની કોઇ ગંભીર નૌધ લીધી નથી બન્ને જવાબદારી સ્વીકારવા તૈયાર નથી અને જમીનમાંથી ગેસ નીકળતા પાછળના કારણો શોધવાની તસદી લેવા પણ તૈયાર નથી.