Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આસામમાં સીરીયલ બ્લાસ્ટઃ 48નાં મોત

5 શહેરો, 6 મિનીટમાં 9 બ્લાસ્ટ, 150 ઘાયલ

આસામમાં સીરીયલ બ્લાસ્ટઃ 48નાં મોત

વેબ દુનિયા

ગોવાહાટી , ગુરુવાર, 30 ઑક્ટોબર 2008 (17:34 IST)
આસામમાં ગુરૂવારે સવારે રાજધાની ગુવાહાટી, કોકરાઝાર, બોગાઈગાવ, બરપેટા અને દિસપુર એમ પાંચ શહેરોમાં છ મિનીટમાં થયેલા 9 સીરીયલ બ્લાસ્ટમાં 48 લોકોનાં મોત થયા છે. જ્યારે 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ રાજ્યમાં બગડી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને લોકોમાં ગુસ્સાહિત થયા છે. તેમણે બ્લાસ્ટ બાદ સરકાર વિરૂધ્ધ દેખાવ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે.

W.D
ગુરૂવારની લોહીયાળ સવારઃ
ગુરૂવારની સવારે આસામ બોમ્બ ધડાકાથી હલબલી ઉઠ્યું હતું. ગુવાહાટીનાં ભીડભાડ વાળા વિસ્તાર એવા ગણેશ ગુડી, ફેન્સી બજાર, પાન બજાર, પલટન બજાર અને ડીસી કોર્ટ વિસ્તારમાં એક પછી એક પાંચ બ્લાસ્ટ થયા હતાં. વળી, આજે ભાઈ બીજ હોવાથી ફેન્સી બજાર વિસ્તારમાં નાગરિકોની ભીડ હતી. તે સમયે થયેલા બ્લાસ્ટમાં સેકડો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

હાઈસિક્યોરિટી ઝોનમાં બ્લાસ્ટઃ
આ ચારેય બ્લાસ્ટ ચાર-પાંચ કિલોમીટરનાં વિસ્તારમાં થયા હતાં. તેમાં પણ હાઈસિક્યોરિટી ઝોન એવા ડેપ્યુટી કમિશ્નરની ઓફિસની બહાર પણ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ બાદ સમગ્ર ગુવાહાટી શહેરમાં અફડાતફડી મચી ગઈ છે. ગોવાહાટીમાં હાઈસિક્યોરિટી ઝોન ગણાતાં ગણેશપુરી વિસ્તાર માં પણ બ્લાસ્ટ થયો છે. જે રાજ્યની વિધાનસભાની નજીક આવેલો છે. આ તમામ બ્લાસ્ટ હાઈ ઈન્ટેનસીટી વાળા છે. તેમજ આકાશમાં કાળા ધુમાડા છવાઈ ગયા હતાં.

webdunia
W.D
આસામનાં અન્ય ત્રણ શહેરોમાં બ્લાસ્ટ
આ સાથે અસમનાં બીજા શહેરો કોકરાઝારમાં ત્રણ બ્લાસ્ટ થયા હતાં. તો બોગાઈગાંવમાં એક તેમજ બરપેટામાં પણ એક બ્લાસ્ટ થયો હતો. આ તમામ બ્લાસ્ટ 6 મિનીટની અંદર થયો હતો. આ સીરીયલ પાછળ ઉલ્ફાનો હાથ હોવાનો શક છે. જયારે દેશમાં તાજેતરમાં થયેલા બ્લાસ્ટને ધ્યાનમાં લેતાં આ બ્લાસ્ટ પાછળ પણ સિમીનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. કોકરાઝારમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હોવાની સંભાવના છે. જ્યારે એક બોમ્બને બોગાઈગાંવમાં નિષ્કિય કરવામાં આવ્યો હતો.

આ અંગે પોલીસ સુત્રોએ કોઈ માહિતી આપી નથી. તેમજ આ બ્લાસ્ટ રીમોટ કંટ્રોલથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટ લો ઈન્ટેનસીટી બ્લાસ્ટ હોવાનું જાણવા મળ્યું છે.

બ્લાસ્ટ બાદ જાસુસી તંત્ર સકિય, પુરાવા હોવાનો દાવોઃ
બ્લાસ્ટ બાદ સમગ્ર શહેરમાં મોબાઈલ નેટવર્ક જામ થઈ ગયા છે. તો રાજ્ય સરકારે રાહત કામગીરી હાથ ધરી છે. પોલીસ સમગ્ર વિસ્તારને કોર્ડન ઓફ કરી દીધું છે. આ બ્લાસ્ટ દેશનાં મહત્ત્વનાં શહેરોમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તહેવારોમાં કોઈપણ જાતનું જોખમ લેવા માંગતી નથી. તેમજ જાસુસી એજન્સીઓએ દાવો કર્યો છે કે તેની પાસે સબૂત છે કે સીરીયલ બ્લાસ્ટમાં વપરાયેલ જથ્થો પાડોશી દેશમાંથી આવ્યો છે. તેમજ આસામ સાથેની આંતરરાષ્ટ્રીય સીમા પણ સીલ કરી દેવામાં આવી છે. દિલ્હીથી એનએસજીની ટીમ પણ રવાના કરી દેવામાં આવી છે. ગોવાહાટીમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

webdunia
W.D
કેન્દ્ર સરકારની ટેપ વાગીઃ
બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી શકીલ અહેમદે જણાવ્યું હતું કે આ બ્લાસ્ટની તપાસ કરવામાં આવશે. તેમજ તેના આરોપીઓને છોડવામાં આવશે નહી. અમે જલ્દીથી અમદાવાદ અને દિલ્હી બ્લાસ્ટની જેમ આરોપીઓને પકડી લઈશું. અમદાવાદ, જયપુર, દિલ્હી બ્લાસ્ટ બાદ પણ કેન્દ્ર સરકાર સજાગ થઈ નથી. તેના મંત્રીઓ બદલાય છે, પણ ટેપ એક જ વાગે છે.

વડાપ્રધાનનાં રાજ્યમાં બ્લાસ્ટ
સૌથી મહત્ત્વની વાત એ છે કે દેશનાં વડાપ્રધાન ડો. મનમોહનસિંહ આસામથી રાજ્યસભાનાં સભ્ય છે. તેથી આસામમાં થયેલા સીરીયલ બ્લાસ્ટે તેમની રહી સહી ઈજ્જત પણ પાણીમાં મળી ગઈ છે. હવે કેન્દ્ર સરકારને જવાબ આપવો ભારે પડશે. એક પછી એક શહેરોમાં સીરીયલ બ્લાસ્ટ થઈ રહ્યાં છે. અને સરકાર ફક્ત કાર્યવાહી કરવાની વાતો કરે છે. આસામમાં બ્લાસ્ટ બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. તેમનો ગુસ્સો સ્વાભાવિક રીતે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર હતો. પણ આવનાર સમયની ચુંટણીમાં આતંકવાદનો મુદ્દો કેન્દ્રસ્થાને રહેશે તેમાં કોઈ બેમત નથી.

Share this Story:

Follow Webdunia gujarati