Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાપુઆ ન્યૂ ગિનીના વડા પ્રધાને PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, લોકોએ કેવી પ્રતિક્રિયા આપી?

pm of papua gani
, મંગળવાર, 23 મે 2023 (00:01 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન ખાતે જી-7ના શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ રવિવારે સાંજે પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા. જ્યાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. યજમાન દેશ પાપુઆ ન્યૂ ગિનીના વડા પ્રધાન જેમ્સ મોરાપે પોતે ભારતના વડા પ્રધાન મોદીનું સ્વાગત કરવા ઍરપૉર્ટ પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદી વિમાનમાંથી ઊતર્યા કે તરત જ મોરાપે તેમના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા. એ બાદ વડા પ્રધાન મોદીએ તેમને પીઠ થાબડીને ઊભા કર્યા હતા.
 
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
 
આ પ્રસંગને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેમના સમર્થકો ભારતના સન્માન સાથે જોડી રહ્યા છે, અન્ય જૂથનું કહેવું છે કે વર્ષ 2014 પહેલાં (મોદીના વડા પ્રધાન બન્યા પહેલાં) પણ ભારતના વડા પ્રધાનોનું ભવ્ય સ્વાગત થયું છે.
 
લોકોનું કહેવું શું છે?
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જેમ્સ મોરાપે સાથે ભારત-પૅસિફિક દ્વીપ સહયોગ મંચ (FIPIC)ના ત્રીજા શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.
 
આ મુલાકાત એટલા માટે ખાસ માનવામાં આવે છે કારણકે પહેલી વાર કોઈ ભારતીય વડા પ્રધાન પાપુઆ ન્યૂ ગિની ગયા છે.
 
ભાજપના નેતા અને ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સ (આઈસીસીઆર)ના અધ્યક્ષ ડૉક્ટર વિનય સહસ્ત્રબુદ્ધે આ અંગે લખ્યું છે કે, “વૈશ્વિક સમુદાય આ રીતે ભારત, ભારતના નેતા અને સંસ્કૃતિનું સન્માન કરે છે.”
 
ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર સોશિયલ મીડિયા હૅન્ડલ પર પણ આ વીડિયો શૅર કરવામાં આવ્યો હતો.
 
ટ્વિટર પર ભાજપે લખ્યું છે કે, “સન્માનના ચિહ્ન તરીકે પાપુઆ ન્યૂ ગિનીના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા.”
 
સાથે ઑલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્તે પણ લખ્યું છે કે, “કોઈના વ્યક્તિત્વમાંથી સન્માન કેવી રીતે મેળવાય, તેનું અદ્ભુત ઉદાહરણ આજે જોવા મળ્યું, જ્યારે પાપુઆ ન્યૂ ગિનીના માનનીય વડા પ્રધાને આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા.”
 
મહિલા પહેલવાન બબીતા ફોગાટે પણ આ ક્ષણને ઐતિહાસિક ગણાવતાં લખ્યું છે કે, “વડા પ્રધાન મોદીએ કોરોના મહામારીમાં વૅક્સિન મોકલીને ત્યાંના લોકો માટે દેવદૂતની જેમ કામ કર્યું હતું. આજે વૈશ્વિક સ્તરે ભારતની તાકત પર વિચાર કરાઈ રહ્યું છે.”
 
તેના જવાબમાં અન્ય જૂથ દ્વારા પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનો એક વીડિયો પણ શૅર કરાઈ રહ્યો છે.
 
આ વીડિયોમાં તેઓ તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન સાથે જોવા મળી રહ્યા છે. રીગન છત્રી પકડીને રાજીવ ગાંધીને કાર સુધી મૂકવા જતા જોવા મળી રહ્યા છે.
 
એક યૂઝરે લખ્યું છે કે, “પાપુઆ ન્યૂ ગિનીને ઐતિહાસિક ગણાવનારા લોકો, નવો ઇતિહાસ લખવાની પ્રક્રિયામાં જૂનો ઇતિહાસ ભૂલશો નહીં. તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે વીડિયો જુઓ, જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ પોતે એ સમયના તત્કાલીન ભારતીય વડા પ્રધાન રાજીવ ગાંધી માટે છત્રી લઈને ઊભા છે.”
 
આ વીડિયો વિશે સર્ચ કરતાં જાણવા મળે છે કે 12 જૂન 1985ના રોજ તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ રીગને એ સમયના ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધીની મુલાકાત લીધી હતી. આ વીડિયો રાજીવ ગાંધીના એ જ પ્રવાસનો છે.
 
અન્ય એક યૂઝરે લખ્યું છે કે 1985માં અમેરિકન રાષ્ટ્રપતિ રીગન જાતે હાથમાં છત્રી લઈને રાજીવ ગાંધીને કાર સુધી મૂકવા ગયા હતા. ભારત ત્યારે પણ શક્તિશાળી હતું.
 
તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે જી-7 દેશની બેઠકોનો એક વીડિયો શૅર કરીને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
 
માત્ર 12 સેકન્ડના આ વીડિયોમાં અન્ય સભ્ય દેશોના નેતા અંદરોઅંદર ગુફ્તગૂ કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ વડા પ્રધાન મોદી એકલા ઊભા છે.
 
જવાહર સરકારે લખ્યું છે કે, “એવું લાગે છે કે આપણા વડા પ્રધાન હિરોશિમામાં યોજાયેલી જી-7 સમિટમાં એકલા છે.”
 
ભારત અને પાપુઆ ન્યૂ ગિનીના સંબંધો કેવા છે?
 
પાપુઆ ન્યૂ ગિનીના એરપોર્ટ પર વડા પ્રધાન મોદીનું સ્વાગત કરતા મોરાપે
 
પાપુઆ ન્યૂ ગિનીમાં ભારતે તેનું હાઈ કમિશન 27 વર્ષ પહેલાં એપ્રિલ 1996માં શરૂ કર્યું હતું.
 
તેનાં દસ વર્ષ બાદ 2006માં પાપુઆ ન્યૂ ગિનીએ પણ ભારતમાં તેનો દૂતાવાસ શરૂ કર્યો હતો.
 
વર્ષ 2016માં પ્રણવ મુખરજી પાપુઆ ન્યૂ ગિનીનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ હતા.
 
ભારત, પાપુઆ ન્યૂ ગિનીને ટેક્સટાઇલ, મશીનરી, ખાદ્ય પદાર્થ, દવાઓ, સર્જિકલ આઇટમ, સાબુ, વૉશિંગ પાઉડર જેવા જરૂરી સામાનની નિકાસ કરે છે.
 
જોકે, ભારત સમયે-સમયે પાપુઆ ન્યૂ ગિનીને માનવીય સહાય પણ આપી રહ્યું છે, જેણે બંને દેશોના સંબંધને સુધારવામાં મદદ કરી છે.
જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચરમ પર હતી અને વૅક્સિન બનાવનારા મોટા દેશ તેની નિકાસ પર રોક લગાવી રહ્યા હતા, એ સમયે ભારતે પાપુઆ ગિનીને કોરોના વૅક્સિનના એક લાખ 31 હજાર ડોઝ આપ્યા હતા.
 
ભારત પણ કૉફી, ટિમ્બર, સમુદ્રી ઉત્પાદન, કોકો, સોનું, કાંસા જેવી જરૂરી ચીજો પાપુઆ ન્યૂ ગિનીમાંથી આયાત કરે છે.
 
જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશો વચ્ચે વેપાર ઘટ્યો છે.
 
ભારત 2014-15 વચ્ચે પાપુઆ ન્યૂ ગિનીને 5.219 કરોડ ડૉલરની નિકાસ કરતું હતું, પરંતુ 2019-20માં તે ઘટીને 3.875 કરોડ ડૉલરની થઈ ગઈ છે.
 
સાથે પાપુઆ ન્યૂ ગિનીમાંથી ભારત 2014-15માં 15.729 કરોડ ડૉલરનો સામાન આયાત કરતો હતો, જે 2019-20માં 3.676 કરોડ ડૉલર પર હતો.
 
પાપુઆ ન્યૂ ગિનીમાં કેટલા ભારતીયો રહે છે?
 
સમાચાર એજન્સી રૉયટર્સના એક અહેવાલ અનુસાર પાપુઆ ન્યૂ ગિનીની વસતી લગભગ 90 લાખ છે.
 
વિદેશ મંત્રાલય દ્વારા બંને દેશોના સંબંધ અંગે જાહેર કરાયેલ એક પ્રેસ નોટ અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીમાં લગભગ ત્રણ હજાર ભારતીય રહે છે. જોકે, આ આંકડા 2020 સુધીના છે.
 
તેમાંથી મોટા ભાગના ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ, યુનિવર્સિટીના પ્રોફેસર, સ્કૂલ શિક્ષક અને ડૉક્ટર છે.
 
કેટલાક લોકો આઇટી, ફાઇનાન્સ, ટ્રેડિંગ, ખાનગી કારોબાર, મશીનરી સાથે જોડાયેલાં કામોમાં પણ લાગેલાં છે.
 
પાપુઆ ન્યૂ ગિનીમાં કેટલાય ભારતીય પ્રભાવશાળી પદે છે. અહીં આ લોકો સીધા અથવા પાર્ટનરશિપમાં જાણીતા સુપર સ્ટોર અથવા અન્ય વ્યવસાયો ચલાવી રહ્યા છે.
 
આ દેશના વેસ્ટ ન્યૂ બ્રિટન પ્રાંતના ગવર્નર શશિધરન મુથવેલ ભારતીય મૂળના છે. તેમને પ્રવાસી ભારતીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના પ્રવાસ પર તેમના સમકક્ષ મોરાપે સાથે મળીને તમીળ ભાષાનું જાણીતું પુસ્તક ‘તિરુકુરલ’ના પાપુઆ ન્યૂ ગિનીની ભાષામાં અનુવાદિત સંસ્કરણનું વિમોચન કર્યું છે.
 
આ પુસ્તક સુભા શશિધરન અને વેસ્ટ ન્યૂ બ્રિટન પ્રાંતના ગવર્નર શશિધરન મુથવેલે મળીને લખ્યું છે.
 
વડા પ્રધાન મોદીએ બંને લેખકોને પાપુઆ ન્યૂ ગિનીમાં ભારતીય સંસ્કૃતિને સંભાળવા માટે આભાર પણ વ્યક્ત કર્યો છે.
 
પાપુઆ ન્યૂ ગિનીને કેટલું જાણો છો તમે?
 
પાપુઆ ન્યૂ ગિની હંમેશાંથી જ્વાળામુખી, ભૂકંપ અને દરિયાઈ વાવાઝોડાં શિકાર બનતું રહ્યું છે.
 
ભાષાકીય રીતે તેની ગણતરી દુનિયાના વૈવિધ્ય ધરાવતા દેશોમાં થાય છે. અહીં 700થી વધુ ભાષા છે.
 
પાપુઆ ન્યૂ ગિનીની લગભગ 80 ટકા વસતી ગ્રામીણ વિસ્તારમાં ખૂબ ઓછી અથવા નહિવત્ સુવિધાઓ સાથે જીવન ગુજારે છે.
 
સુદૂર પહાડી વિસ્તારોમાં ઘણી જનજાતિઓ એવી છે, જે બહારની દુનિયા સાથે કપાયેલી છે. આ લોકો ખેતી કરીને પેટિયું રળે છે.
 
વર્ષ 1906માં તેનું નિયંત્રણ બ્રિટનમાંથી ઑસ્ટ્રેલિયાને મળ્યું અને વર્ષ 1975માં આ દેશ ઑસ્ટ્રેલિયાથી પણ સંપૂર્ણ રીતે સ્વતંત્ર થઈ ગયો હતો.
 
જેમ્સ મોરાપે પાપુઆ ન્યૂ ગિનીના સર્વોચ્ચ નેતા છે.
 
પાપુઆ ન્યૂ ગિનીના વડા પ્રધાન કોણ છે?
 
જેમ્સ મોરાપે વર્ષ 2019થી વડા પ્રધાન છે અને તેઓ પાંગુ પાટી નામની પાર્ટીના નેતા છે.
 
52 વર્ષના મોરાપેએ પાપુઆ ન્યૂ ગિનીની યુનિવર્સિટીમાંથી જ 1993માં સ્નાતક થયા હતા. તેમણે ઍન્વાયરમૅન્ટલ સાયન્સ અને બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન વિષયોમાં પણ ડબલ પોસ્ટ ગ્રૅજ્યુએશન કર્યું છે.
 
મોરાપે પાપુઆ ન્યૂ ગિનીના આઠમા વડા પ્રધાન છે, પરંતુ આ પહેલાંની સરકારોમાં પણ તેઓ ઘણા મહત્ત્વના વિભાગોના મંત્રી પણ રહી ચૂક્યા છે.
 
તેઓ વર્ષ 2019માં પીપલ્સ નેશનલ કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને પાંગુ પાટીમાં જોડાઈ ગયા હતા.
 
એક રિપોર્ટ અનુસાર, 2020માં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેમની સરકારને પાડવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક બાજુ RBIએ 2,000 રૂપિયાની નોટ બંધ કરવાનો આદેશ રજુ કર્યો, બીજી બાજુ Zomato પર ગેમ થઈ ગઈ