પાક અધિકૃત કાશ્મીરમાં ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઈકમાં અનેક આતંકવાદીઓ સાથે ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા. એક ખાનગી ચેનલે પાકિસ્તાનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના ખુલાસાએ આ માહિતી આપી છે.
ભારતીય ટીવી ચેનલે ગુલામ કાશ્મીરમાં એક એસપી ઇન્ટેલીજન્સ ગુલામ અકબર સાથે આઇજી બનીને વાત કરી હતી. આ વાતચીતમાં ગુલામ અકબરે ખુલાસો કર્યો હતો કે, ર૯ સપ્ટેમ્બરે ભારતે ગુલામ કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. એસપીના ખુલાસા અનુસાર ગુલામ કાશ્મીરમાં ૧ર લાશ માટે કોફીન પણ મોકલવામાં આવ્યા હતા. ટીવીના પત્રકારે આઇજી બનીને તેની સાથે વાતચીત કરી હતી અને સત્ય ઓકાવ્યુ હતુ તથા જુઠાણાનો પર્દાફાશ કર્યો હતો.
આ પાકિસ્તાની ઓફિસરે દાવો કર્યો હતો કે, આ સર્જીકલ સ્ટ્રાઇકમાં પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને મોટી સંખ્યામાં ત્રાસવાદીઓના પણ મોત થયા હતા. તેણે એ બાબત સ્વીકારી હતી કે હુમલાથી પાકિસ્તાની સૈન્ય અવાચક બની ગયુ હતુ અને વધુ પ્રતિરોધ કરી શકયુ ન હતુ. તેણે કહ્યુ હતુ કે, રાત્રે 2 થી 5 દરમિયાન આ હુમલો ચાલ્યો હતો. જયારે પુછાયુ કે કેટલા ત્રાસવાદીઓ માર્યા ગયા છે તો અકબરે કહ્યુ હતુ કે, લીપામાં બે, હજીરામાં ત્રણ અને ભીમબેરમાં અનેક ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. તેણે કહ્યુ હતુ કે, 12 તાબુત પણ મંગાવાયા હતા.
મીડીયાના પત્રકારના સવાલ પર એસપીએ એમ પણ કહ્યુ હતુ કે, પાક ફોજ આ જેહાદીઓને લોન્ચ પેડ સુધી લાવે છે અને તેને ઘુસણખોરીમાં મદદ કરે છે. તેણે જેહાદીઓ માટે લશ્કરી નામ લીધુ હતુ. તેણે ખુલાસો કર્યો હતો કે, એક કેમ્પમાં 5 થી 7 આતંકી રહે છે. કાર્યવાહીના પુરાવા મીટાવવાના ભારતના દાવાને યોગ્ય ઠેરવતા તેણે કહ્યુ હતુ કે, સર્જીકલ સ્ટ્રાઇક બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો હતો. તેણે કહ્યુ હતુ કે, મૃતદેહોને એમ્બ્યુલન્સમાં લઇ જવાયા હતા અને તાબુત પણ મંગાવાયા હતા.