ચીનના ખાસ વહીવટી શહેર હોંગકોંગમાં હત્યાનો એવો ભયાનક કિસ્સો સામે આવ્યો છે, જેણે શ્રદ્ધા વોકર હત્યા કેસની યાદો તાજી કરી છે. ત્યાં એક પ્રખ્યાત મોડલ એબી ચોઈ(Abby Choi)ની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને પછી તેના મૃતદેહના ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. હવે એબીનું માથું પોલીસને એક મોટા સૂપ બનાવવાના પોટમાંથી મળી આવ્યું છે. જેમાં સૂપ અને શાકભાજી વચ્ચે માથું મુકવામાં આવ્યુ હતુ.
28 વર્ષની મોડલ એબી ચોઈ હોંગકોંગની ફેમસ મોડલ હતી. તે 21 ફેબ્રુઆરીના રોજ અચાનક ક્યાંક ગુમ થઈ ગઈ હતી. આ દરમિયાન તેમની શોધખોળ કરવામાં આવી હતી અને પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. મામલો હાઈપ્રોફાઈલ હતો. મીડિયાનું ધ્યાન પણ આ તરફ હતું. આથી પોલીસે આ મામલે ઝડપથી તપાસ હાથ ધરી હતી. ત્યારે જ પોલીસને તાઈ પો જિલ્લામાં એક ઘરની માહિતી મળી હતી. એબી ચોઈ છેલ્લે ક્યાં જોવા મળ્યા હતા.
ઘરનાં ફ્રિજમાં મળ્યા શરીરનાં ટુકડા
આથી માહિતીના આધારે પોલીસે તે ઘરે જઈને દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે ઘરની તલાશી લીધી ત્યારે એબી ચોઈ ક્યાંય મળી ન હતી, પરંતુ જ્યારે ઘરમાં રાખેલ ફ્રીજ ખોલવામાં આવ્યું ત્યારે ફ્રિજમાં બે માનવ પગ અને માંસ જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કપાયેલા પગ, માનવ માંસ, ઇલેક્ટ્રિક કરવત, માંસ કાપવાનું મશીન અને મહિલાના કપડાં કબજે કર્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે એબીનું માથું પોલીસને મળ્યું ન હતું.
લાશના ઘણા અંગ હતા ગાયબ
ત્યારે જ પોલીસે તે ઘરના રેફ્રિજરેટરમાંથી મળેલા માનવ શરીરના ટુકડા અને બંને પગને તપાસ માટે મોકલ્યા જેથી કરીને તેઓ ખાતરી કરી શકે કે તે ટુકડાઓ એબી ચોઈના મૃત શરીરના જ છે. હવે પોલીસ ચોઈના બાકીના શરીરને શોધી રહી હતી. દરમિયાન, મંગળવારે તપાસ દરમિયાન, પોલીસને તે જ ઘરમાંથી છુપાવેલ એક મોટું વાસણ મળ્યું હતું. તે એક એવું વાસણ હતું, જેનો ઉપયોગ સૂપ બનાવવા અને રાખવા માટે થાય છે.
સૂપ પોટમાં માથું મળ્યું
પોલીસે જ્યારે વાસણનું ઢાંકણું ખોલ્યું તો તેમાં સૂપ જેવું પ્રવાહી ભરેલું હતું. જેમાં ગાજર, કોબીજ જેવા ઝીણા સમારેલા શાકભાજી માથે તરતા હતા. તેની ઉપર પણ થોડી ગ્રીસ જમા થઈ ગઈ હતી. જેવું પ્રવાહીને બહાર અલગ કરવામાં આવ્યું, વાસણમાંથી એક માનવ માથું મળી આવ્યું. જેના પર માંસ અને ચામડી નહોતી. આ દ્રશ્ય જોઈને પોલીસને એ સમજવામાં વાર ન લાગી કે આ માથું એબી ચોઈનું છે. પરંતુ તેની પુષ્ટિ કરવા માટે, તે માથાને તપાસ માટે મોકલવામાં આવ્યુ હતુ.
માથા પર નહોતું ચામડી અને માંસ
બીજી તરફ, આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિક્ષક એલન ચુંગે પત્રકારોને જણાવ્યું કે એબી ચોઈનું માથું જે હાલતમાં મળી આવ્યું તે આશ્ચર્યજનક છે. જે વાસણમાં માથું મળ્યું તે પાણીથી ભરેલું હતું અને ઉપર શાકભાજીના ટુકડા તરતા હતા. તેમાંથી મળી આવેલ માથા પર કોઈ ચામડી કે માંસ ન હતું.