ચીનના દક્ષિણી ભાગમાં ભારે વરસાદને કારણે એક હાઈવેનો એક ભાગ ઢસડી પડવાને કારણે ગાડીઓ ઢસડીને નીચે આવી ગઈ અને ઓછામાં ઓછા 36 લોકોના મોત થઈ ગયા. મેઇઝોઉ શહેરના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે બુધવારે સવારે લગભગ 2 વાગ્યે હાઇવેનો 17.9 મીટર લાંબો ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે 23 વાહનો ખાડામાં પડી ગયા હતા. એક સરકારી નિવેદન મુજબ દુર્ઘટનામાં 30 લોકો ઘાયલ થયા છે. ગુઆંગદોંગ શહેરના કેટલાક ભાગમાં છેલ્લા 2 અઠવાડિયાથી વરસાદ અને પૂર આવવાથી ઓલાવૃષ્ટિ થઈ છે.
ઘટનાસ્થળ પર દેખાતા વાહનોના ઢગલા
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહના અંતમાં પ્રાંતીય રાજધાની ગુઆંગઝૂમાં વવાઝોડામાં 5 લોકોના મોત થયા હતા. એક રિપોર્ટ મુજબ એવું લાગે છે કે વરસાદના કારણે, હાઇવેની નીચેની જમીન ઢસડી પડી અને તેના કારણે રસ્તાનો એક ભાગ પણ અંદર ખાબકી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેઓએ જોરદાર અવાજ સાંભળ્યો અને પછી તેઓએ ત્યાં એક મોટો ખાડો જોયો. સ્થાનિક મીડિયામાં જાહેર થયેલા વીડિયો અને તસવીરોમાં ઘટનાસ્થળે ધુમાડો અને આગ દેખાઈ રહી છે. આ સાથે સ્થળ પર વાહનોના ઢગલા જોવા મળી રહ્યા છે.
શનિવારે ગુઆંગઝૂમાં આવ્યું હતું વાવાઝોડુ
સામે આવેલી તસવીરોમાં હાઇવે પરથી નીચે જતી ઢાળ પર કાર પણ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શનિવારે ગુઆંગઝૂના એક હિસ્સામાં એક દિવસ પહેલા આવેલા વાવાઝોડાએ પણ ઘણી તબાહી મચાવી હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. વાવાઝોડાને કારણે 140થી વધુ ઈમારતોને નુકસાન થયું છે. ચીનના સરકારી મીડિયામાં જાહેર થયેલી તસવીરો જોઈને તબાહીની કલ્પના કરવી મુશ્કેલ ન હતી. વાવાઝોડાને કારણે 33 લોકો ઘાયલ પણ થયા હતા અને સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.