'સદીના સૌથી ભયાનક વાવાઝોડા' તરીકે ચર્ચિત બનેલા હરિકેન મિલ્ટને અમેરિકાના ફ્લોરિડા રાજ્યના સિસ્ટા કી ખાતે 205 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે લૅન્ડફૉલ કર્યું છે.
હરિકેન મિલ્ટનના કારણે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભયાનક તારાજી સર્જાઈ છે. ફ્લોરિડા રાજ્યમાં 30 લાખ ઘરોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાઈ જતાં લોકોને પારાવાર મુશકેલી વેઠવી પડી રહી છે.
ફ્લોરિડાના સૅન્ટ પીટર્સબર્ગમાં ભારે વરસાદ અને ઝડપી પવનના કારણે 16 લોકોનાં મૃત્યુ થયાં છે. રાહત કાર્યમાં લાગેલા કર્મીઓએ ટૅમ્પામાં 135 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.
ભારે વરસાદ અને 205 કિમીના ઝડપે ફૂંકાઈ રહેલા પવનના કારણે હજારો ઘરોમાં નુકસાન થયું છે. વૃક્ષો પડી ગયાં છે અને કેટલીક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. કાંઠા વિસ્તારની નજીક રહેતાં લોકોને સૌથી વધુ નુકસાન થયું છે. નાળાઓ ચોક થઈ જવાના કારણે વરસાદનું પાણી અને ગટરનું પાણી રસ્તાઓમાં ભરાઈ ગયા છે જેના કારણે અવર-જવર કરવી મુશકેલ થઈ ગઈ છે.
યુએસ નૅશનલ હરિકેન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, "જીવને જોખમ ઊભું થાય તેવી રીતે દરિયાના જળસ્તરમાં ઉછાળ" જોવાઈ રહ્યો છે, આ સિવાય ફ્લોરિડા મહાદ્વીપના મધ્યમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે.
જોકે, હરિકેન મિલ્ટન જ્યારે ફ્લોરિડા પર ત્રાટક્યું ત્યારે તેની તીવ્રતા 'કૅટગરી પાંચ'થી ઘટીને 'કૅટેગરી 3'ની થઈ ગઈ હતી. હરિકેન મિલ્ટન ત્રાટક્યું એ પહેલાં સરકારે લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસી જવા કહ્યું હતું.
18 ઇંચ વરસાદ
મિલ્ટન વાવાઝોડુંના કારણે ફ્લોરિડા રાજ્યના કેટલાક વિસ્તારોમાં 14 ઇંચથી લઈને 18 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
બીબીસી સંવાદદાતા ગૉર્ડન કૉરેરા ફ્લોરિડાના ટૅમ્પા ખાતે છે. તેમના કહેવા પ્રમાણે, તેમના તથા ટીમના મોબાઇલ ફોન ઉપર સતત ચેતવણીના મૅસેજ આવી રહ્યા છે.
જેમાં આ વિસ્તારમાં ખૂબ જ ઝડપભેર પવન ફૂંકાવાની અને ભારે પૂરની ચેતવણી આપવામાં આવી રહી છે. જોકે, ગમે ત્યારે વીજળી જતી રહેશે એવી આશંકા સેવાઈ રહી છે.
ગૉર્ડનના કહેવા પ્રમાણે, માત્ર સ્થાનિકો જ નીચાણવાળા વિસ્તારમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે ઝડપભેર વાવાઝોડું પસાર થઈ જાય એટલે તેમને આગળ શું કરવાનું છે, તેના વિશે ખબર પડે.
નેશનલ હરિકેન સેન્ટરની (એનએચસી) આગાહી પ્રમાણે, વાવાઝોડું મિલ્ટન 24 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અને લૅન્ડફૉલના ગણતરીના કલાકો બાદ ઍટલાન્ટિક તરફ નીકળી જશે.
વાવાઝોડાના કારણે દરિયામાં સામાન્ય મોજાં કરતાં 10 ફૂટ વધુ પાણીની લહેરો ઊઠી રહી છે.
એનચસીના કહેવા પ્રમાણે વાવાઝોડાને કારણે મોજાની ઊંચાઈ પણ સામાન્ય કરતાં દસેક ફૂટ વધુ રહેવા પામી છે.