વૈજ્ઞાનિકોએ એક નવા અભ્યાસમાં દાવો કર્યો છે કે અખરોટ ખાવાથી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા અને તેની ગુણવત્તા બંને વધી શકે છે. 'કેલિફોર્નિયા યુનિવર્સિટી'ના વૈજ્ઞાનિકોએ 20થી 30 વર્ષની ઉંમરના યુવકોના એક સમૂહને ત્રણ મહિના માટે રોજ 75 ગ્રામ અખરોટ ખાવા કહ્યું. સંશોધકોએ જાણ્યું કે અખરોટ નહીં ખાનારા પુરુષોની તુલનામાં તે ખાનારા પુરુષોના શુક્રાણુઓની સંખ્યામાં અને તેની ગુણવત્તા બંનેમાં વધારો થયો અને તેમના પિતા બનવાની સંભાવનાઓ પણ સારી થઇ.
'ડેલી મેલ'ના સમાચાર અનુસાર સંશોધકોએ અખરોટ એટલા માટે પસંદ કરી કારણ કે તે 'સારા' પૉલી અનસેચ્યુરેટેડ ચરબીનો મુખ્ય સ્રોત છે. અખરોટમાં માછલીમાં રહેલા ઓમેગા-3 અને ઓમેગા-6 પણ પૂરતી માત્રામાં હોય છે. માનવામાં આવે છે કે આ બંને શુક્રાણુના વિકાસ અને તેની કાર્યપ્રણાલી માટે બહુ મહત્વપૂર્ણ હોય છે પણ મોટાભાગના પશ્ચિમી વ્યંજનોમાં આનો અભાવ હોય છે.
દર છમાંથી એક દંપતિને ગર્ભધારણ કરવામાં સમસ્યા નડે છે અને એવું મનાય છે કે આમાંથી 40 ટકા કેસમાં પુરુષોના શુક્રાણુના કારણો જવાબદાર હોય છે. યુસીએલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રો. વેન્ડી રોબિન્સનું કહેવું છે કે અભ્યાસમાં સામેલ તમામ 117 લોકો ધૂમ્રપાન ન કરનારા સ્વસ્થ યુવા હતા. પહેલા અમને માલુમ ન હતું કે અખરોટની પ્રજનન ક્ષમતા પર સારી અસર પડશે કે નહીં પણ અભ્યાસ બાદ પરિણામ સકારાત્મક આવ્યા છે.
સંશોધકોએ પુરુષોના શુક્રાણઓની તરવાની ક્ષમતા અને આનુવંશિક ગુણો વગેરે વિષે અભ્યાસ કર્યો. તેમણે જાણ્યું કે અખરોટ નહીં ખાનારાની સરખામણીએ ખાનારાના શુક્રાણુઓની તરવાની ગતિમાં સરેરાશ ત્રણ ટકાનો વધારો થયો હતો. જોકે હજુ પણ આને એક ઇલાજ તરીકે અપનાવતા પહેલા વધુ પરીક્ષણો અને અભ્યાસની જરૂરિયાત છે.