વિશ્વભરમાં સૌથી વધારે ચર્ચિત થયેલી ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શૉ' ની રિલીઝ તારીખ વર્ષ 2022માં પૉસ્ટપોન કરવામાં આવી છે. વૈશ્વિક મહામારીના પગલે ભારતભરમાં આમ પણ દર્શકો મોટાભાગે સિનેમાઘરોમાં જઈને ફિલ્મો નિહાળવાનું ટાળી રહ્યા છે એવામાં સિનેમાઘરોની ઓછી ઉપલબ્ધ્ધતા પણ રિલીઝ તારીખ આગળ કરવાનું મુખ્ય કારણ છે.જેમ જેમ સિનેમાઘરો 100 ટકા દર્શકોની હાજરી સાથે શરૂ થવા લાગ્યા છે, તેવામાં બૉલીવુડ ફિલ્મ નિર્માતાઓએ વહેલી તકે તેઓની ફિલ્મની રિલીઝ માટે આ વર્ષની નવેમ્બર અને ડિસેમ્બર માટેની તારીખો પસંદ કરી લીધી છે. ઘણી બધી મોટા બજેટની ફિલ્મો રિલીઝ માટે રાહ જોઈ રહી છે.
આ મોટી ફિલ્મો એ મોટાભાગની સ્ક્રીન પોતાના નામે કરી લીધી છે, જ્યાં અગાઉ પ્રાદેશિક ફિલ્મો રિલીઝ થવાની હતી. ઉપરાંત દરેક એક્ઝિબ્યુટર્સ મોટા કલાકારોની જ ફિલ્મો દર્શાવવાનું પસંદ કરી રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપ તેઓએ અતરંગી રે, 83, જર્સી, રાધેશ્યામ જેવી ફિલ્મોને મોટાભાગની સ્ક્રીન ફાળવવાનું નક્કી કર્યુ છે.લેખક-દિગ્દર્શક પાન નલીને કહ્યું કે, "આ ખરેખર દુઃખની વાત છે કે એક્ઝિબ્યુટર્સએ 'છેલ્લો શૉ' માટે સ્ક્રીન ફાળવવાનું નક્કી કર્યુ હતું એવું ના થયું. અમારા સોશિયલ મીડિયા પર અમને 'છેલ્લો શૉ' જોવા માટે ઉત્સુક હજારો પ્રેક્ષકો તરફથી ફિલ્મ દર્શાવવાની વિનંતીઓ મળી રહી છે. આ ફિલ્મને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ એક્ઝિબ્યુટર્સ મોટા બજેટની બોલીવુડ ફિલ્મ રિલીઝ કરવાનું વધુ પસંદ કરશે."
નિર્માતા ધીર મોમાયાએ જણાવ્યું, "ભારતમાં હંમેશા એવી સ્થિતિ રહી છે જ્યાં સ્ટુડિયો સિવાયની ફિલ્મોને એક્ઝિબ્યુટર્સ દ્વારા એક બાજુ મુકી દેવામાં આવે છે, પરંતુ અમે ઉમ્મીદ નથી છોડી કેમકે અમને ખુશી એ વાતની છે કે હવે આ ફિલ્મ ભારતમાં વર્ષ 2022માં અમેરિકન તેમજ આંતરરાષ્ટ્રીય રીલિઝ સાથે એક જ સમયે આવશે.. આપણે એ વાત ન ભૂલવી જોઇએ કે 'છેલ્લો શૉ' એ પ્રથમ એવી ભારતીય ફિલ્મ છે જે અમેરિકામાં સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ, જાપાનમાં શોચિકુ અને ઈટાલીમાં મેડુસા દ્વારા રિલીઝ થવા જઈ રહી છે.
હવે અમારી પાસે તેને ભારતમાં પણ તે જ સમયની આસપાસ રિલીઝ કરવા માટેની તક છે. ટૂંક સમયમાં અમે બોલિવૂડના પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ સાથે 'છેલ્લો શૉ' ના એસોસિએશનની જાહેરાત કરીશું. અમે સાથે મળીને તેને વર્ષ 2022માં બની શકે એટલી શ્રેષ્ઠ રીતે રિલીઝ કરીશું.'છેલ્લો શૉ' જાન્યુઆરી 2022માં કેલિફોર્નિયામાં આગામી પામ સ્પ્રિંગસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ ગાલા શૉ સાથે નવા વર્ષની ઉજવણી કરશે. આ શોમાં ઘણા બધા હોલીવુડ કલાકારો હાજરી આપે તેવી અપેક્ષા છે